આપણું ગુજરાત

ભારતની કુલ સિરામિક નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ ટકા

૯મી ઑક્ટોબરે ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી’ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ સિરામિક એકમો આવેલા છે, જેનું કુલ
વાર્ષિક ટર્ન ઓવર અંદાજિત રૂ.૬૦,૦૦૦ કરોડનું છે. આ એકમો અંદાજિત ૪ લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી
પાડે છે.

ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. ૯મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ મોરબી ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ આયોજિત થશે.

ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિ માટે સજજ થઈ રહ્યું છે. ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં ૨જી ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન યોજાનારા ૨-૩ દિવસીય એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલી પ્રોડક્ટને અગ્રતા આપવામાં આવશે.

મોરબી જિલ્લામાંથી સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુ રકમની નિકાસ થઈ છે, જે ભારતની કુલ સિરામિક નિકાસના ૮૦ ટકા છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી રૂ.૧૫,૦૦૦ કરોડથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button