સ્પોર્ટસ

AUS VS PAK: પહેલી વન-ડે માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું, 33.3 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો…

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 46.4 ઓવરમાં 203 રન કર્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમે 33.3 ઓવરમાં આઠ વિકેટે 208 રન કરીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય

મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશીપમાં રમવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે આ મેચમાં ધીમી શરૂઆત કરી હતી. સૈમ અયુબ એક રન કરીને આઉટ થયો હતો અને અબ્દુલ્લા શફીક 12 રન કરી શક્યો હતો. બાદમાં બાબર આઝમ અને કેપ્ટન રિઝવાને મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી. ઝમ્પાએ પૂર્વ કેપ્ટન બાબરને બોલ્ડ કર્યો હતો. બાબર ચાર ચોગ્ગાની મદદથી 37 રન કરી પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે રિઝવાને 44, નસીમ શાહે 40, શાહીન આફ્રિદીએ 24, ઈરફાન ખાને 22, સલમાન આગાએ 12 રન કર્યા હતા. હારિસ રઉફ ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો જ્યારે મોહમ્મદ હસનૈન બે રન કરીને અણનમ રહ્યો હતો. કાંગારૂઓ તરફથી મિશેલ સ્ટાર્કે ત્રણ, કમિન્સ અને ઝમ્પાએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સીન એબોટ અને માર્નસ લાબુશેને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : શું તમે જાણો છો કે રોહિત ઑસ્ટ્રેલિયામાં સિરીઝની પહેલી ટેસ્ટ કદાચ કેમ નથી રમવાનો?

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને 19 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. મેથ્યુ શોર્ટને શાહીન શાહ આફ્રિદીએ સૈમ અયુબના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે માત્ર એક રન કરી શક્યો હતો. આ સાથે જ અન્ય ઓપનર જેક ફ્રેઝર મેકગર્ક (16) પણ નસીમ શાહનો શિકાર બન્યો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને જોશ ઈંગ્લિસે સ્થિતિ સંભાળી હતી.

બંને વચ્ચે 85 રનની ભાગીદારી નોંધાઈ હતી જેને હારિસ રઉફે તોડી હતી. તેણે 17મી ઓવરમાં સ્મિથને કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથે છ ચોગ્ગાની મદદથી 44 રન ફટકાર્યા હતા જ્યારે ઇંગ્લિસે 49 રન ફટકાર્યા હતા. આ મેચમાં માર્નસ લાબુશેને 16 રન, એરોન હાર્ડીએ 10 રન અને સીન એબોટે 13 રન કર્યા હતા. મેક્સવેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

આ પણ વાંચો : ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?

પેટ કમિન્સે યજમાન ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 32 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે ત્રણ અને શાહીન આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે નસીમ શાહ અને મોહમ્મદ હસનૈનને એક-એક સફળતા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button