આવો મળીએ, એ સ્પિનરને જેણે સચિનની ફેરવેલ મૅચમાં 10 વિકેટ લીધેલી અને પછી તેને ભારત વતી રમવા જ ન મળ્યું!
નવી દિલ્હી: અત્યારે સ્પિનરોની બોલબાલા છે. એક તરફ આપણા સ્પિનરો (જાડેજા વોશિંગ્ટન સુંદર, અશ્વિન, કુલદીપ)એ તાજેતરની ટેસ્ટ સીરિઝમાં તરખાટ મચાવ્યા, પરંતુ ગજબના ટર્ન અપાવતી આપણી જ પિચો પર ન્યૂ ઝીલેન્ડના સ્પિનરો (એજાઝ, સેન્ટનર, ફિલિપ્સ) મેદાન મારી ગયા અને ટીમ ઈન્ડિયાનો 3-0થી વાઈટ-વૉશ કરતા ગયા.
જે કંઈ થયું એ નહોતું બનવું જોઈતું, પણ હવે સ્પિનરની વાત નીકળી જ છે તો આપણે એવા એક સ્પિનર વિશે જાણીએ જેણે 2013માં સચિન તેંડુલકરની વાનખેડે ખાતેની ફેરવેલ ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી. કમનસીબે, એ સ્પિનરને ત્યાર બાદ ભારત વતી ક્યારેય ફરી રમવા જ ન મળ્યું.
હા, આપણે લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની વાત કરી રહ્યા છીએ.
તેણે નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે સચિન તેન્ડુલકરની કરીઅરની અંતિમ ટેસ્ટમાં 10 વિકેટ (દરેક ઇનિંગ્સમાં 5-5 વિકેટ) મેળવી હતી, જેને લીધે તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તેમ છતાં, તેના આ પ્રભાવશાળી પ્રદર્શન પછી પણ તેને ટૂંક સમયમાં જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Hardik Pandya પહેલાં બીજી વખત લગ્ન કરશે ઈન્ડિયાનો આ ખિલાડી? જાણો કોણ છે થનારી દુલ્હન…
ઓઝા ત્યારે 27 વર્ષનો હતો. તેને ફરી સિલેક્ટ ન કરાયો એનાથી ઘણાને આશ્ચર્ય થયું હતું.
સામાન્ય રીતે કોઈ બોલર ટેસ્ટ મૅચમાં કુલ 10 વિકેટ લે તો તેને ખરાબ કે સાધારણ પર્ફોર્મન્સ છતાં મહિનાઓ સુધી ટીમમાંથી કાઢવામાં નથી આવતો. ઊલ્ટાનું, ટીમમાં તેનું સ્થાન ઑર મજબૂત થાય છે. જોકે પ્રજ્ઞાન ઓઝાના કિસ્સામાં સાવ જુદું જ બન્યું હતું.
એ સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એવી સ્પિન જોડી પર ધ્યાન આપતો હતો જેમાં અનેક પ્રકારની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ હોય. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓને તેમની બૅટિંગ ક્ષમતા અને ટીમને સંતુલન આપવાના ગુણના કારણે ટીમમાં પ્રાથમિકતા મળી હતી. પરિણામે, ઓઝાને બહાર કરી દેવામાં આવ્યો અને દુર્ભાગ્યવશ તે ફરી ભારત વતી ફરી રમી જ ન શક્યો. તેણે 2009-2013 દરમ્યાનની ચાર વર્ષની ટૂંકી કરીઅરમાં 24 ટેસ્ટમાં 113 વિકેટ, 18 વન-ડેમાં 21 અને છ ટી-20માં 10 વિકેટ લીધી હતી.
પ્રજ્ઞાન ઓઝાએ ત્યાર પછી ક્રિકેટ-નિષ્ણાત અને કૉમેન્ટેટર તરીકેની કારકિર્દી અપનાવી અને નિયમિતપણે રમત પરની અસાધારણ સમજણ લોકો સુધી પહોંચાડતો ગયો. હા, તે આઈપીએલમાં પણ રમ્યો.
ભારતીય ક્રિકેટમાં આ એક અનોખો કિસ્સો હતો છે જેમાં પ્રભાવશાળી પ્રદર્શન હોવા છતાં ખેલાડીને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું નહીં.