રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની બદલી
મુંબઇઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો છે અને અને તેમનો ચાર્જ કેડરના આગામી વરિષ્ઠ IPS અધિકારીને સોંપવા નિર્દેશ આપ્યો છે. રશ્મિ શુક્લા પર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવાનો આરોપ છે.
નોંધનીય છે કે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ડીજીપી રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પછી કાર્યવાહી કરતા ચૂંટણી પંચે રશ્મિ શુક્લાની મહારાષ્ટ્રના ડીજીપી પદેથી બદલી કરી દીધી છે. રશ્મિ શુક્લા વિરુદ્ધ વિરોધીઓના ફોન ટેપ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રશ્મિ શુક્લાની બદલીની માંગ કરી હતી.
ચૂંટણી પંચે મુખ્ય સચિવને કેડરના આગામી વરિષ્ઠ IPS અધિકારીને ચાર્જ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. આગામી ડીજીપીની પસંદગી માટે મુખ્ય સચિવ એકઠા થયા છે. મુખ્ય સચિવને મહારાષ્ટ્રના ડીજીપીના પદ પર નિમણૂક માટે 05 નવેમ્બર 2024ના બપોરે 1.00 વાગ્યે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સૂત્રોનું માનીએ તો આ સમયની અંદર ત્રણ આઈપીએસ અધિકારીઓની પેનલ મુખ્ય સચિવને મોકલવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અગાઉ અધિકારીઓને સમીક્ષા બેઠકો અને વિધાનસભા ચૂંટણીની જાહેરાત દરમિયાન નિષ્પક્ષ અને યોગ્ય વર્તન કરવાની ચેતવણી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે તેમની ફરજો નિષ્પક્ષ રીતે નિભાવવી જોઇએ. તેમણં પક્ષપાતી નિર્ણય ના લેવા જોઇએ તેમણે દરેક પક્ષ માટે સરખું વર્તન કરવું જોઈએ.
Also read: Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. 288 બેઠકો માટે મતગણતરી 23 નવેમ્બરે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો, શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી. જ્યારે 2014માં ભાજપે 122 બેઠકો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 બેઠકો જીતી હતી.