દિવાળીની ઊજવણી બાદ મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮
![A cityscape of Mumbai with a smog cloud hanging over it, symbolizing the invisible disaster that threatens the city.](/wp-content/uploads/2023/11/mumbai-pollution-1-300x167-1.jpeg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં દિવાળી અને નવા વર્ષના દિવસે હવાની ગુણવત્તા એકદમ નબળી નોંધાયા બાદ રવિવારે સાંજે તેમાં નજીવો સુધારો જણાયો હતો. રવિવારે સાંજે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૧૨૦ નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ રવિવારે સવારના સરેરાશ એક્યુઆઈએ ૧૫૮ નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. તો સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ સરેરાશ એક્યુઆઈ ૧૨૦ નોંધાયો હતો. જોકે મોડેથી ફટાકડા ફોડવાનું પ્રમાણ વધી જતા હવાની ગુણવત્તા ફરી કથળી હતી.
Also read:
રવિવારે સાંજ સુધી મુંબઈમાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીની રહી હતી. આ અગાઉ શુક્રવારે દિવાળી અને શનિવારે નવા વર્ષના દિવસે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાને કારણે હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. શનિવાર, બે નવેમ્બરના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૨૦૮ નોંધાયો હતો, જે ૨૦૨૪ની સાલમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો રહ્યો છે. આ અગાઉ ૨૦૨૩માં દિવાળીના બીજા દિવસે મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૮૯ નોંધાયો હતો.
સીપીસીબી ડેશબોર્ડના આંકડા મુજબ મુંબઈમાં સરેરાર એર ક્વોલિટી ઈન્ડેકસમાં નજીવો સુધારો હતો. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં એક્યુઆઈ ઊંચો નોંધાયો હતો. શિવડીમાં ૨૬૩, કાંદિવલીમાં ૨૪૭, બીકેસીમાં ૨૩૬, બાન્દ્રા (પૂર્વ) ખેરવાડીમાં ૨૨૮ નોંધાયો હતો.
નિષ્ણાતોના કહેવા મુજબ પવનની દિશા બદલાવાની સાથે જ મુંબઈમાં ધીમે ધીમે હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જણાશે. હાલ પવનની દિશા બદલાવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે દરિયા પરથી પવન જમીન પર ફૂંકાઈ રહ્યા છે, જે હવામાંથી ધૂળના કણોને સાફ કરી રહ્યા છે અને તેને કારણે હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જણાય છે.
Also read:
તેમ જ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં મહત્તમ તાપમાન સામાન્ય સ્તરથી ઉપર નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે તાપમાન વધે છે ત્યારે પવનની ગતિ પણ વધે છે. આ પરિબળે હવાની ગુણવત્તામાં હળવો સુધારો કર્યો છે. જોેકે આગામી દિવસોમાં શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તા ફરી કથળવાની શક્યતા છે.