તહેવારોના દિવસોમાં સર્જાઈ કરૂણાંતિકાઃ અંજારમાં તણાતા પુત્રને બચાવવા ગયા ને…
ભુજઃ દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે રહીને માણેલી મજા આખા વર્ષ માટે એક સારી યાદ બની જતી હોય છે, પરંતુ અંજાર ફરવા આવેલા એક પરિવારનું આ વખતુનં દિવાળી વેકેશન જીવનભરના દુઃખનું કારણ બની ગયું છે.
દિવાળીમાં માંડવીના દરિયે ફરવા આવેલા પરિવારે બે સ્વજન નજરની સામે ખોયા હોવાની ઘટના બની છે. આ પરિવારના 13 વર્ષના પુત્ર અને તેના પિતાનું દરિયામાં તણાઈ જવાથી મોત નિપજ્યું છે.
માંડવી પોલીસે કરુણાંતિકા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હતભાગી કિશન ગાંગજીભાઈ મહેશ્વરી (ઉ.વ. ૩૭, રહે. વિજયનગર, અંજાર) તેમના ૧૩ વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર ફરવા આવ્યાં હતાં.
ભાઈબીજની બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામાં વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં ડૂબકી લગાવી રહ્યા હતાં તે સમયે સમુદ્રના મોજાંમાં ડેનિસ ડૂબવા માંડ્યો હતો. પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં જો કે પુત્રની સાથે પિતાનું પણ સમુદ્રમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કિશનભાઈ અંજારમાં ઑટો રીક્ષા હંકારીને પરિવારનું પેટિયું રળતાં હતાં. તહેવારના દિવસોમાં સર્જાયેલી આ કરુણાંતિકાથી કચ્છ સહીત બૃહદ કચ્છમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓમાં આકર્ષણરૂપ માંડવી બીચ પર અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે જેથી નગરપાલિકા, પોલીસ અને વહીવટી તંત્ર દુર્ઘટનાઓ ટાળવા જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે, પરંતુ આ સાથે લોકોએ પણ સંયમ જાળવવાની જરૂર છે.