ધર્મતેજ

વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવ જણાવે છે કે ‘દેવી મેં એમને વરદાન નથી આપ્યું એમણે જ લીધું જ છે. તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદે મનમાં ઉત્પન્ન કરેલા વિચાર અને વિકારે વરદાન મેળવ્યું છે. બ્રહ્મદેવ પણ એવું ઇચ્છે છે કે પોતાને બાળબ્રહ્મચારી હોવાનું અભિમાન ધરાવતા દેવર્ષિ નારદને ગૃહસ્થ જીવનનો અનુભવ થવો જ જોઇએ.’ એ જ સમયે ‘ૐ હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચૈ નમ:’નો સ્વર કૈલાસ ખાતે ગૂંજવા લાગ્યો. માતા પાર્વતી ત્વષ્ટા ઋષિને વરદાન આપવા તેમની પાસે પહોંચે છે અને કહે છે, ‘ઋષિ ત્વષ્ટા આંખ ખોલો, તમારી શક્તિ ઉપાસનાથી પ્રસન્ન છું, વરદાન માંગો.’ ઋષિ ત્વષ્ટા: ‘માતા તમારી કૃપા અપરંપાર છે, તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું.’ માતા પાર્વતી ચેતવણી આપતાં કહે છે, ‘હું તમને ઇચ્છિત વરદાન અવશ્ય આપીશ ઋષિવર ત્વષ્ટા, પરંતુ સાવધાન… વરદાનનો દુરુપયોગ કરશો તો તમારો અને તમારી સૃષ્ટિનો વિનાશ નિશ્ર્ચિત છે.’ ઋષિ ત્વષ્ટા જણાવે છે કે ‘નહીં માતા વરદાનનો દુરુપયોગ ક્યારેય નહીં થાય.’ માતા પાર્વતી વરદાન આપી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. બીજી તરફ દેવર્ષિ નારદ ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી અસ્વસ્થ થઈ જાય છે. તેઓ તુરંત પરમપિતા બ્રહ્મદેવ પાસે પહોંચે છે. ચિંતાતુર દેખાતા દેવર્ષિ નારદને બ્રહ્મદેવના પૂછવા પર તેઓ કહે છે કે ‘ભગવાન શિવ દ્વારા ગૃહસ્થ જીવનનું વરદાન મળ્યું છે, હું રહ્યો બાળ બ્રહ્મચારી આવું વરદાન મેળવી હું કઈ રીતે પ્રસન્ન રહી શકું.’ બ્રહ્મદેવ તેમને કહે છે ‘આનું નિરાકરણ તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુ આપી શકે છે તમે એમના અનન્ય ભક્ત પણ છો તેમની શરણે જાઓ તમારું કલ્યાણ થશે.’ દેવર્ષિ નારદ તુરંત વૈકુંઠધામ પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને હાસ્ય વેરતા જોઈ દેવર્ષિ નારદ દુ:ખી થઈ જાય છે અને કહે છે, ‘પ્રભુ હું મુસીબતમાં ફસાયો છું, અને તમે હાસ્ય વેરી રહ્યા છો. મને તમે જ એમાંથી ઉગારી શકો છો.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘પ્રિય નારદ તમે મારા પ્રિય ભક્ત છો તમને મળેલા વરદાનથી હું પણ ચિંતિત છું, તમારી ઉપસ્થિતિ મને આવકાર્ય હોવાથી હું હાસ્ય વેરી રહ્યો છું.’
દેવર્ષિ નારદ: ‘પ્રભુ મને આ સંકટથી ઉગારો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘વરદાનથી દૂર ભાગી નહીં શકો, વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે.’
માતા લક્ષ્મી: ‘દેવર્ષિ તમે અમને હાસ્ય વેરતા જોયાં એમ તમે વરદાનને પણ હાસ્યથી સ્વીકારો એમાં જ તમારી ભલાઈ છે.’

માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ લઈ દેવર્ષિ નારદ આકાશ માર્ગે આગળ વધતાં ત્વષ્ટા ઋષિના આશ્રમમાં થઈ રહેલા યજ્ઞમાંથી અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળતાં દેખાય છે. કુતૂહલવશ દેવર્ષિ નારદ તેમની પાસે જાય છે.

દેવર્ષિ નારદ: ‘પ્રણામ ઋષિ ત્વષ્ટા, તમારા હવનમાંથી આ અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળ્યાં છે. હું એ જાણવા ઉત્સુક છું કે આની પાછળ તમારું પ્રયોજન શું છે.’

ઋષિ ત્વષ્ટા: ‘દેવર્ષિ હું ઘણાં સમયથી જોઈ રહ્યું છું કે દેવરાજ ઇન્દ્ર અહંકાર અનુભવી રહ્યા છે કે તેમની પાસે જ યજ્ઞમાંથી કંઈ મેળવવાની શક્તિ છે. એટલે મેં માતા શક્તિને પ્રસન્ન કરી આ શક્તિ મેળવી છે. મેં ઉત્પન્ન કરેલાં પશુ-પક્ષીઓને સ્વર્ગલોક મોકલ્યાં છે જેથી દેવરાજ ઇન્દ્રને મારી શક્તિનો અનુભવ થાય.’

દેવર્ષિ નારદ: ‘ઋષિ ત્વષ્ટા દેવરાજ ઇન્દ્રના અહંકારને તોડવા તમે અહંકાર કરી રહ્યા છો અને તમે પરમજ્ઞાની હોવાથી એ પણ જાણતાં જ હશો કે એક અહંકાર બીજા અહંકારને તોડી શકતો નથી.’
ઋષિ ત્વષ્ટા: ‘દેવર્ષિ નારદ મને ઉપદેશ આપવાની જરૂરત નથી, ઉપદેશ આપવો જ હોય તો એ અહંકાર દેવરાજ ઇન્દ્રને આપો.’
દેવર્ષિ નારદ તુરંત સ્વર્ગલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘દેવર્ષિ નારદ આપનું સ્વાગત છે. સ્વર્ગલોક ખાતે આ અલભ્ય પશુ-પક્ષીઓ ક્યાંથી આવી રહ્યાં છે.’

દેવર્ષિ નારદ: ‘ઋષિ ત્વષ્ટા દ્વારા દેવી શક્તિની આરાધનાથી મળેલા વરદાન દ્વારા આ અલભ્ય પશુ-પક્ષીઓને તમારા અહંકારનો નાશ કરવા મોકલ્યાં છે.’
દેવરાજ ઇન્દ્ર: ‘દેવગુરુ બૃહસ્પતિ આનો કોઈ ઉકેલ બતાવો.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ ઇન્દ્ર આનો એકમાત્ર ઉકેલ એ છે કે ઋષિ ત્વષ્ટાને સ્વર્ગલોકમાં સ્થાન આપવું.’
દેવરાજ ઇન્દ્ર: ‘તેઓ સ્વર્ગલોક આવશે.’

દેવર્ષિ નારદ: ‘તમે પોતે આમંત્રણ આપો તો ઋષિ ત્વષ્ટા જરૂર આવશે.’

દેવરાજ ઇન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ, સમગ્ર દેવગણ દેવર્ષિ નારદ સાથે ત્વષ્ટા ઋષિના આશ્રમ પર પહોંચે છે. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button