એકસ્ટ્રા અફેર

ન્યુઝીલેન્ડ સામે નાલેશીભરી હાર, આપણા ક્રિકેટરોમાં શરમ જ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ન્યુઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને ૨૫ રને હરાવ્યું એ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નામે વધુ એક નાલેશી લખાઈ ગઈ. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલાં જ બે ટેસ્ટ મેચ હારી ચૂકી હતી. ભારતને બેંગલુરુ ટેસ્ટ મેચમાં આઠ વિકેટે અને પુણે ટેસ્ટ મેચમાં ૧૧૩ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો તેથી સિરીઝ તો હાથથી ગયેલી જ પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચ જીતીને રહીસહી આબરૂ બચાવવાની છેલ્લી તક રોહિત શર્માની ટીમ સામે હતી. રોહિત શર્માની ટીમે આઘાતજનક બેટિંગ કરીને એ તક રોળી નાખી અને ચોથી ઈનિંગ્સમાં જીતવા માટેના ૧૪૭ રન પણ ટીમ ના કરી શકી.

સ્પિનરોની પિચ પર ભારતીય સ્પિનરોએ ન્યુઝીલેન્ડને સસ્તામાં નિપચાવી દીધું પછી ભારતને માત્ર ૧૪૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ આખી ટીમ ૧૨૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ ૧૨૧ રનમાં પણ ભારત માટે ૬૪ રન તો રિષભ પંતે બનાવ્યા હતા જ્યારે એકસ્ટ્રાના ૧૨ રન હતા એ જોતાં ૭૬ રન તો એ થઈ ગયા. મતલબ કે, બાકીના ૧૦ ખેલાડી ગણીને ૪૫ રન બનાવી શક્યા.

આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૩-૦થી જીતી લીધી છે અને પોતાના નામે સુવર્ણ સિદ્ધિ લખાવી દીધી છે કેમ કે ન્યુઝીલેન્ડની ટીમે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ન્યુઝીલેન્ડની ટીમ આટલાં વરસથી ભારત સામે રમે છે પણ કદી ટેસ્ટ સિરીઝ નહોતી જીતી શકી. રોહિત શર્માની ટીમના કારણે ન્યુઝીલેન્ડે એ સપનું પણ પૂરું કરી નાખ્યું. આ હાર સાથે ભારતીય ટીમને ૨૪ વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ મળી છે, મતલબ કે, ભારતની ટીમ સિરીઝની બધી મેચ હારી છે.

આ પહેલાં ટીમ ઈન્ડિયા ૨૦૦૦માં સાઉથ આફ્રિકા સામે ૨ મેચની ટેસ્ટ સિરીઝમાં બંને ટેસ્ટ હારીને ધોળકું ધોળી ચૂકી હતી. હવે ન્યુઝીલેન્ડ સામે એ રીતે જ ઈજજતનો કચરો કરી નાખ્યો છે. ન્યુઝીલેન્ડ સામે હાર સાથે ભારતે ૧૨ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત છેલ્લે ૨૦૧૨માં ઈંગ્લેન્ડ સામે ૨-૧થી સિરીઝ હારેલું ને એ પછી ઘરઆંગણે કદી નહોતું હાર્યું. રોહિત શર્માની ટીમે એ નાલેશી પણ આપણા નામે લખી દીધી.

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની હાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે અત્યંત આઘાતજનક છે કેમ કે ન્યુઝીલેન્ડની ટીમ વિશ્ર્વ ક્રિકેટમાં એવી જબરદસ્ત નથી ગણાતી. ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી ટીમની સરખામણીમાં ન્યુઝીલેન્ડની ટીમ બહુ નબળી કહેવાય. ન્યુઝીલેન્ડની ટીમની બેટિંગ કેન વિલિયમસન પર કેન્દ્રિત થયેલી છે. આ સિરીઝમાં કેન વિલિયમસન પાછો હતો નહીં ને છતાં આપણે હારી ગયા છીએ.

બીજું એ કે, ઘરઆંગણે આપણે હાર્યા છીએ. પોતાની ધરતી પર ભારત શેર ગણાય છે કેમ કે ભારતમાં સ્પિનરોને મદદ કરતી પિચો બનાવીને ભારત વિદેશી ટીમોને ધરાશાયી કરી નાખે છે. આ સિરીઝની ત્રણેય ટેસ્ટમાં પણ સ્પિનરો હાવી રહેલા ને આપણા સ્પિનરોએ પોતાને માફક આવે એવી પિચો પર અપેક્ષા પ્રમાણેનો દેખાવ કર્યો પણ આપણા કહેવાતા ધુરંધર બેટ્સમેન પાણીમાં બેઠા તેમાં આપણી ઈજજતનો ફાલુદો થઈ ગયો. ન્યુઝીલેન્ડ પાસે એવા જબરદસ્ત સ્પિનરો જ નથી. સેન્ટનરનો આ સિરીઝ પહેલાંનો દેખાવ સાવ સામાન્ય હતો પણ પહેલી બે ટેસ્ટમાં તેની સામે આપણા ખેલાડી સાવ લાચાર થઈ ગયા. ત્રીજી ટેસ્ટમાં સેન્ટનર નહોતો તેથી જીતવાની તક હતી તો એજાઝ પટેલે આપણી મેથી મારીને મૂકી દીધી.

આ આખી સિરીઝમાં રિષભ પંતને બાદ કરતાં કોઈ એવો બેટ્સમેન નથી કે જેણે સાતત્યપૂર્ણ બેટિંગ કરી હોય. સરફરાઝ ખાને પહેલી ટેસ્ટમાં ફટકારેલ સદીને બાદ કરતાં ભારત તરફથી કોઈ બેટ્સમેન સદી નથી ફટકારી શક્યો. બેંગલુરૂ ટેસ્ટમાં ભારતની ટીમે માત્ર ૪૬ રનમાં ઓલઆઉટ થઈને કરેલા શરમજનક દેખાવ પછી બીજી ઈનિંગ્સમાં ૪૬૨ રન કર્યા પણ એ પછીની ચાર ઈનિંગ્સમાંથી એક પણ ઈનિંગમાં ભારતીય ટીમનો સ્કોર ૩૦૦ રનને પાર પણ નથી થયો. દરેક ઈનિંગમા ન્યુઝીલેન્ડના સાવ નવાસવા ખેલાડીઓ આપણા ધુરંધરો કરતાં ચડિયાતા સાબિત થયા છે. બીજી ટેસ્ટમાં સ્પિનરોએ સારો દેખાવ કરીને ન્યુઝીલેન્ડને ૨૫૯ રનમાં ઓલઆઉટ કર્યું તો બેટ્સમેન પાણીમાં બેઠા ને માત્ર ૧૫૯ રનમાં આપણો વીંટો વળી ગયો ને એ જ વખતે આપણે હારી ગયેલા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પહેલી ઇનિંગમાં ૨૩૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં ૨૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ ને મોટી લીડ ના મેળવી શકી. જો કે ભારત પાસે ૨૮ રનની લીડ હતી ને ન્યૂઝીલેન્ડનો બીજો દાવ ૧૭૪ રન પર સમેટાઈ ગયો તેથી ભારતને ૧૪૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ આપણી ટીમ ૧૪૭ રન પણ ન કરી શકી ને ૧૨૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પછી ભારતીય ક્રિકેટ ટીમ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. રોહિત શર્મા, વિરાટ કોહલી વગેરે કહેવાતા જૂના ખેલાડી જ નહીં પણ શુભમન ગિલ, સરફરાઝ ખાન, રીષભ પંત, યશસ્વી જયસ્વાલ વગેરે નવા ખેલાડીઓ પણ કમને રમતા હોય એવું લાગે છે. આપણા ખેલાડીઓને ટેસ્ટ મેચ રમવામાં રસ જ ના હોય ને જેમ બને તેમ જલદી આઉટ થઈને પેવેલિયનમાં પાછા જવામાં જ રસ હોય એવી તેમની બેટિંગ છે. દેશ માટે રમવાના બદલે રમવા ખાતર રમતા હોય એ રીતે રમનારા આ ખેલાડીઓની ખરેખર ટીમને જરૂર છે કે નહીં એ વિશે વિચારવાનો સમય આવી ગયો છે. સાથે સાથે આ સ્થિતિ કેમ છે એ પણ વિચારવાની જરૂર છે.

ભારતીય ક્રિકેટરોને હવે માત્ર ને માત્ર આઈપીએલ રમવામાં રસ હોય એવું લાગે છે. આઈપીએલમાં પાંચ કલાક રમીને કરોડો કમાવવા મળે છે તેથી દેશ માટે પાંચ દિવસ પરસેવો પાડીને ટેસ્ટ મેચ રમવામાં તેમને રસ જ રહ્યો નથી. બોર્ડમાં બેઠેલા લોકોને પણ કદાચ ટેસ્ટમાં રસ નથી. આઈસીસીના કારણે ટેસ્ટ મેચો રમાડવી પડે છે તેથી રમાડાય છે, બાકી બોર્ડની પ્રાયોરિટી પણ આઈપીએલ જ છે. આ માનસિકતા હોય ત્યાં ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર જેવી હારની નવાઈ ના લાગવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker