નીતીશ કુમારે ભાજપના પૂર્વ સાંસદના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, જૂઓ Video
Bihar News: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપના નેતા તથા પૂર્વ સાંસદના ચરણસ્પર્શ કર્યા હતા. નીતીશ કુમાર રવિવારે પટનાના આદિ ચિત્રગુપ્ત મંદિરમાં ચિત્રગુપ્તની પૂજા-અર્ચના કરવા ગયા હતા. તેમની સાથે બિહારના મંત્રી તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ અવસર પર તેમણે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ આરકે સિન્હાને સ્ટેજ પર બોલાવીને સ્વાગત કર્યું હતું.
પૂર્વ સાંસદ આરકે સિન્હાએ મંચ પરથી કહ્યું કે, પટનાના ચિત્રગુપ્ત મંદિર નિર્માણમાં મુખ્યમંત્રી નીતીશ કુમારનો મોટો સહયોગ છે અને મંદિરનું નવનિર્માણ તેમના જ કારણે થયું છે.
20 વર્ષ પહેલાં મંદિર કઈ સ્થિતિમાં હતું તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. પરંતુ નીતીશ કુમારે કહ્યું કે તેનું નવનિર્માણ કરાવશે અને કર્યું પણ. આરકે સિન્હાના આટલું બોલતાં જ સીએમ નીતીશ કુમાર તેની પાસે ગયા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ ઘટનાક્રમ જોઈને ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા હતા.
આપણ વાંચો: Nitish Vs Akhilesh: સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની સલાહ આપતા અખિલેશને નીતીશ કુમારે આપ્યો જવાબ
ચિત્રગુપ્ત પૂજાના અવસર પર મુખ્યમંત્રી નીતીશ કુમાર પટનામાં આવેલા આદિ ચિત્રગુપ્ત મંદિરના નોજર ઘાટ પર એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુખ્યમંત્રી નીતીશ કુમારે એનડીએના સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. આ સમયે વિપક્ષે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.