ભારતીય સ્પિનર્સ સુપર-હિટ અને ટૉપ-ઑર્ડરના બૅટર્સ સુપર-ફ્લૉપ…
ભારતનો 0-3થી વાઇટ-વૉશ, ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં ચિંતા વધી ગઈ, જાણો કોને કેટલા માર્ક મળ્યા...
![India's 0-3 white-wash, worries rise ahead of Australia tour, find out who got how many marks...](/wp-content/uploads/2024/11/ind-vs-nz-series-.webp)
(અજય મોતીવાલા)
મુંબઈ: આઇપીએલમાં દર વર્ષે કરોડો રૂપિયા કમાતા ભારતીય બૅટર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરથી વારંવાર એકાગ્રતા ગુમાવી બેસતા હોય એવું ક્રિકેટપ્રેમીઓને છેલ્લા પંદર વર્ષમાં ઘણી વાર લાગ્યું છે. જૂન મહિનામાં ટી-20 વર્લ્ડ કપ જીતીને દેશનું નામ તેમણે રોશન કર્યું, પણ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડને ટેસ્ટ-શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવવાની ‘તક ઊભી કરી આપીને’ ચાર જ મહિનામાં ભારતીય ક્રિકેટર્સે (ખાસ કરીને ટૉપ-ઑર્ડર બૅટર્સે) કરોડો ક્રિકેટચાહકોને નિરાશ કરી દીધા. ભારતીય સ્પિનર્સે દમદાર પર્ફોર્મ કર્યું, પરંતુ આપણા સ્ટાર બૅટર્સ ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર્સની જાળમાં ફસાતા ગયા, ભારત એક પછી એક ટેસ્ટ હારતું ગયું, શ્રેણી પણ હાર્યું અને છેવટે કિવીઓ 3-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યા.
આ પણ વાંચો : ભારતનું નબળું ફાઇટ-બૅક, પંતનો વન મૅન શૉ
ત્રણ ટેસ્ટ કુલ 15 દિવસની હોય, પરંતુ ભારતીયોએ એને ટૂંકાવીને કુલ 11 દિવસની બનાવી નાખી. પ્રથમ ટેસ્ટ (16-20 ઑક્ટોબર), બીજી ટેસ્ટ (24-26 ઑક્ટોબર) અને ત્રીજી ટેસ્ટ (1-3 નવેમ્બર).
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ભારત 46 રનમાં ઑલઆઉટ થયું અને ઘરઆંગણે ભારતનો નવો લોએસ્ટ સ્કોર નોંધાયો એ ખાસ કરીને વિરાટ કોહલી તથા રોહિત શર્મા જેવા પીઢ બૅટર્સની નિષ્ફળતાને લીધે જ બન્યું હતું. સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર અને રવિચન્દ્રન અશ્ર્વિને વિકેટો લઈને ટીમ ઇન્ડિયાને વિજય માટે ઘણી વાર મોકો અપાવ્યો, પરંતુ બૅટર્સ એ તકોનો ફાયદો ન લઈ શક્યા. વાનખેડેની ત્રીજી ટેસ્ટમાં ભારતીયો 147 રનનો લક્ષ્યાંક પણ ન મેળવી શક્યા.
ટી-20માં પણ આનાથી મોટા લક્ષ્યાંકો આસાનીથી મેળવવામાં આવતા હોય છે, પરંતુ ટીમ ઇન્ડિયાને 147 રન પણ વધુ લાગ્યા અને 121 રનમાં ઑલઆઉટ થઈ જતાં કિવીઓને પચીસ રનથી જીતવા મળી ગયું.
આ પણ વાંચો : IND VS NZ: રવિચંદ્રન અશ્વિને શાનદાર કેચ ઝડપ્યો, જુઓ એગ્રેસિવ અંદાજનો વીડિયો
હવે ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આ મહિને પાંચ ટેસ્ટ રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. કિવીઓ સામેના 0-3ના વાઇટ-વૉશને લીધે ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ સંબંધમાં કરોડો ક્રિકેટપ્રેમીઓ ચિંતા અનુભવશે.
![](/wp-content/uploads/2024/11/image-8-1024x673.png)
કયા ભારતીય ક્રિકેટરને કેટલા માર્ક?
રોહિત શર્મા: માર્ક…10/0સિરીઝમાં રોહિત સારું તો ન રમી શક્યો, કટોકટીના સમયે સાવ કંગાળ રમ્યો. વાનખેડેમાં ભારતે માંડ 147 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો, પરંતુ ત્યારે પણ તે માત્ર 11 રન બનાવી શક્યો. બૅટિંગમાં તેમ જ કૅપ્ટન તરીકે નિર્ણયો લેવામાં ઘણી કચાશ જોવા મળી. ટી-20 પછી હવે ટેસ્ટમાંથી પણ થોડા સમયમાં તે નિવૃત્તિ લઈ લેશે તો નવાઈ નહીં લાગે. સિરીઝમાં તેના રન: 2, 52, 0, 8, 18 અને 11.
વિરાટ કોહલી: માર્ક…10/1
પહેલી ટેસ્ટના બીજા દાવમાં કોહલીએ હાફ સેન્ચુરી (70 રન) ફટકારી અને સરફરાઝ ખાન સાથે ત્રીજી વિકેટ માટે 136 રનની જે ભાગીદારી કરી એને બાદ કરતા એકંદરે શ્રેણીમાં ખરાબ રમ્યો. કિવી સ્પિનર્સનો વારંવાર શિકાર બન્યો. સિનિયર પ્લેયર તરીકેની પ્રતિભા જેવું રમવામાં નિષ્ફળ ગયો. ટેસ્ટની નિવૃત્તિ બહુ દૂર નથી. સિરીઝમાં તેના રન: 0, 70, 1, 17, 4 અને 1.
યશસ્વી જયસ્વાલ: માર્ક…10/2
અપેક્ષા જેવું જરાય ન રમ્યો. કેટલાક સારા કૅચ પકડ્યા, પણ બૅટિંગમાં તેની ખાસ જરૂર હતી અને એમાં જ વારંવાર સારું ઓપનિંગ કર્યા બાદ 30 રનની આસપાસ વિકેટ ગુમાવી બેઠો હતો. સિરીઝમાં તેના રન: 13, 35, 30, 77, 30 અને પાંચ.
શુભમન ગિલ: માર્ક…10/2
બે ટેસ્ટ રમવા મળી, પણ વાનખેડે ટેસ્ટના પ્રથમ દાવના 90 રનને બાદ કરતા અપેક્ષા જેવું ન રમી શક્યો. કેએલ રાહુલ તથા અન્ય કોઈ બૅટરને તક મળી હોત તો તેના સ્થાને કદાચ સારું રમી શક્યા હોત. ગિલનું ટેસ્ટ-ભાવિ ફરી જોખમમાં મુકાઈ શકે. સિરીઝમાં તેના રન: 30, 23, 90 અને એક.
રિષભ પંત: માર્ક…10/8
બૅટર અને વિકેટકીપિંગની એકસાથે બે મોટી જવાબદારી (ઘૂંટણની ઈજા છતાં) બહુ સારી રીતે નિભાવી. અન્ય બૅટર્સ કરતાં એકંદરે તેણે ઘણું સારું પર્ફોર્મ કર્યું. પહેલી ટેસ્ટના બીજા દાવના લડાયક 99 રન બાદ વાનખેડેમાં પહેલા દાવમાં 60 રન કર્યા અને બીજા દાવના ફાઇટિંગ 64 રનના સ્કોર બદલ ટીમને ઘણો ઉપયોગી થયો. સિરીઝમાં 261 રન સાથે તમામ બૅટર્સમાં મોખરે રહ્યો. કમનસીબે, વાનખેડેમાં અમ્પાયરના ખોટા નિર્ણયનો શિકાર થયો હોવાની ચર્ચા વચ્ચે તે ટીમને જિતાડી ન શક્યો. સ્ટમ્પ્સની પાછળથી કુલ ત્રણ શિકાર કર્યા હતા. સિરીઝમાં તેના રન: 20, 99, 18, 0, 60 અને 64.
સરફરાઝ ખાન: માર્ક…10/2
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ઝીરોમાં આઉટ થયો અને બીજા દાવમાં 150 રન બનાવીને છવાઈ ગયો. જોકે ત્યાર પછીની ચારેય ઇનિંગ્સમાં સદંતર ફ્લૉપ ગયો અને તેની પાસેથી ટીમ મૅનેજમેન્ટે મિડલ-ઑર્ડરમાં રાખેલી આશા ફળીભૂત ન કરી શક્યો. શ્રેણીમાં બે વાર ઝીરોમાં આઉટ થયો. સિરીઝમાં તેના રન: 0, 150, 11, 9, 0 અને એક.
કેએલ રાહુલ: માર્ક…10/0
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો, પણ એનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો. બન્ને દાવમાં ફ્લૉપ રહ્યો હતો. સિરીઝમાં તેના રન: 0 અને 12.
રવીન્દ્ર જાડેજા: માર્ક…10/10
દેશને તેમ જ ગુજરાત તથા ગુજરાતી સમાજને વારંવાર ગૌરવ અપાવી ચૂકેલા લેફ્ટ-આર્મ સ્પિનર જાડેજાએ સાથી-સ્પિનર વૉશિંગ્ટન સુંદરની જેમ શ્રેણીમાં હાઈએસ્ટ 16 વિકેટ લીધી અને ત્રણેય ટેસ્ટમાં હરીફ બૅટર્સને પરેશાન કરીને પોતાની જવાબદારી બરાબર નિભાવી. વાનખેડેની ટેસ્ટમાં બન્ને દાવમાં પાંચ-પાંચ શિકાર કર્યા, પરંતુ બૅટર્સે તેની બધી મહેનત પર પાણી ફેરવી દીધું. સિરીઝમાં તેના રન: 0, 5, 38, 42, 14 અને 6. સિરીઝમાં તેની વિકેટ: 3/72, 0/28, 0/53, 3/72, 5/65, 5/55.
વૉશિંગ્ટન સુંદર: માર્ક…10/10
આ ઑફ-સ્પિનરને સાડાત્રણ વર્ષે ફરી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો અને રમવા મળેલી ફક્ત બે ટેસ્ટમાં હાઇએસ્ટ 16 વિકેટ લઈને અપેક્ષા કરતાં પણ અસરદાર પર્ફોર્મ કર્યું. ટીમને જરૂર પડી ત્યારે બૅટિંગમાં પણ કામ લાગ્યો, પરંતુ ટૉપ-ઑર્ડરના બૅટર્સે તેના અને જાડેજાના 16-16 વિકેટના કાબિલેદાદ પર્ફોર્મન્સ બાદ દાટ વાળી નાખ્યો. સિરીઝમાં તેના રન: 18, 21, 38 અને 12. સિરીઝમાં તેની વિકેટ: 7/59, 4/57, 4/81 અને 1/30.
રવિચન્દ્રન અશ્ર્વિન: માર્ક…10/7
ઑલરાઉન્ડર તરીકેની જોઈએ એવી છાપ તો ફરી પાડી ન શક્યો અને પીઢ સ્પિનર તરીકે ટીમને સરેરાશ કામ લાગ્યો. શ્રેણીમાં કુલ નવ વિકેટ લીધી, પરંતુ કુલ 371 રનના ખર્ચે. વાનખેડેમાં ખરા સમયે બૅટિંગમાં મૅચ-વિનિંગ ન રમી શક્યો. સિરીઝમાં તેના રન: 0, 15, 4, 18, 6 અને 8. સિરીઝમાં તેની વિકેટ: 1/94, 0/6, 3/64, 2/97, 0/47 અને 3/63.
કુલદીપ યાદવ: માર્ક…10/3
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ત્રણ વિકેટ લીધી, પણ બીજા દાવમાં વિકેટ નહોતો લઈ શક્યો. ત્યાર પછી તેને રમવા જ નહોતું મળ્યું. સિરીઝમાં તેની વિકેટ: 3/99 અને 0/26.
જસપ્રીત બુમરાહ: માર્ક…10/3
બેન્ગલૂરુ અને પુણેની ટેસ્ટમાં સરેરાશ રમ્યો. સ્પિનર્સ પાસે વધુ બોલિંગ કરાવી હોવાથી બુમરાહની બહુ જરૂર નહોતી પડી અને વાનખેડેની ટેસ્ટમાં વાયરલ બીમારીને લીધે નહોતો રમી શક્યો. સિરીઝમાં તેની વિકેટ: 1/41, 2/29, 0/32 અને 0/25.
આકાશ દીપ: માર્ક…10/3
27 વર્ષના આ પેસ બોલરને સ્પિનર્સના શાસન વચ્ચે બોલિંગની ખાસ કંઈ તક નહોતી મળી, પરંતુ વાનખેડેની ટેસ્ટના બન્ને દાવમાં પ્રથમ વિકેટ લઈને (અનુક્રમે ડેવૉન કૉન્વે અને ટૉમ લેથમને આઉટ કરીને) ટીમ ઇન્ડિયાને સારું સ્ટાર્ટ અપાવ્યું. ત્યાર બાદ સ્પિનર્સે તેની એ પ્રારંભિક સફળતાને એળે ન જવા દીધી, પરંતુ ટૉપ-ઑર્ડરના બૅટર્સે નિરાશા અપાવવામાં કંઈ જ બાકી ન રાખ્યું. સિરીઝમાં તેની વિકેટ: 0/41, 1/22 અને 1/10.
મોહમ્મદ સિરાજ: માર્ક…10/2
વાનખેડેમાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પેસ આક્રમણની જવાબદારી સારી રીતે અદા કરવાની તક સિરાજને મળી હતી, પણ એમાં તે સફળ ન થયો. સ્પિનર્સના શાસનમાં બહુ બોલિંગ ન મળી, પણ ત્રણ દાવમાં માત્ર બે વિકેટ લઈ શક્યો. વાનખેડેના પ્રથમ દાવમાં નાઇટ-વૉચમૅન તરીકેની જવાબદારી નિભાવવામાં પણ નિષ્ફળ રહ્યો. સિરીઝમાં તેની વિકેટ: 2/84, 0/16 અને 0/16.
નોંધ: સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને પેસ બોલર હર્ષિત રાણાને સિરીઝમાં રમવાનો મોકો નહોતો મળ્યો. ધ્રુવ જુરેલે ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને સારી વિકેટકીપિંગ કરી હતી.