આમચી મુંબઈ

શિંદે જૂથ આડું ફાટતાં નિયુક્તિઓ અટકી, ચૂંટણી નજીક આવી હોવાથી વિધાનસભ્યો ઉશ્કેરાટમાં

કૅબિનેટ બાદ મહામંડળમાં પણ ભાજપના વિધાનસભ્યો માટે ત્યાગ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનમંડળમાં અને સરકારમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટના ખાતાઓમાં સમાધાન કરવું પડી રહ્યું છે. પાલક પ્રધાનપદની વહેંચણીમાં પણ સૌથી વધુ સમાધાન ભાજપના પ્રધાનોને કરવાનો વારો આવ્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. રાજ્યમાં સત્તામાં હોવા છતાં હાથમાં કશું જ આવતું ન હોવાની નારાજગી અત્યારે ભાજપના વિધાનસભ્યોમાં પ્રવર્તી રહી છે. આ બધાની વચ્ચે જો પ્રધાનપદાં ન મળવાના હોય તો ઓછામાં ઓછું મહામંડળોના અધ્યક્ષપદ આપો એવો સૂર ઉઠી રહ્યો છે. ભાજપના વિધાનસભ્યો માટે અત્યારે પ્રધાનપદાં પણ નહીં અને મહામંડળ પણ નહીં એવી હાલત થઈ છે. ભાજપના વિધાનસભ્યો અત્યારે નેતાને સંજોગો પર વિચાર કરવાની વિનંતી કરી રહ્યા છે. જાહેરમાં ભાજપના વિધાનસભ્યો બોલતા ન હોય તેમ છતાં ખાનગીમાં તેમની નારાજગી જાહેર કરી રહ્યા છે.

રાજ્યમાં કુલ ૧૨૦ મહામંડળો છે. જેમાંથી અડધા એટલે ૬૦ મહામંડળો મલાઈદાર માનવામાં આવે છે, જેમાં મ્હાડા, સિડકો, કોંકણ વિકાસ મહામંડળ, રાજ્ય વસ્ત્રોદ્યોગ મહામંડળ, અન્ય પછાત વર્ગ વિત્ત અને વિકાસ મહામંડળ, પુણ્યશ્ર્લોક અહિલ્યા દેવી મહારાષ્ટ્ર મેંઢી અને શેળી વિકાસ મહામંડળ, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર વિકાસ મહામંડળ, અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળ વગેરેનો સમાવેશ થાય છે. ભાજપના પ્રસ્તાવ મુજબ શિવસેનાના શિંદે જૂથને
૨૫ ટકા, અજિત પવાર જૂથને ૨૫ ટકા અને ભાજપને ૫૦ ટકા મહામંડળો આપવાના હતા. પરંતુ શિંદે જૂથને ભાજપનો પ્રસ્તાવ માન્ય ન હોવાથી ભાજપ સામે નવી સમસ્યા નિર્માણ થઈ છે. મલાઈદાર મહામંડળો ભાજપ પોતાની પાસે રાખશે કે ફરી એક વખત ભાજપને જ ત્યાગ કરવાનો વારો આવશે તે જોવાનું રહેશે.

પાલકપ્રધાનની ફાળવણી બાદ ભાજપે મહામંડળનો જે પ્રસ્તાવ માંડ્યો હતો તેને સ્થાને શિવસેના અને એનસીપીના ૩૦-૩૦ સામે ભાજપને ૪૦ મહામંડળો આપવા એવો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી અઠવાડિયામાં મહામંડળો પર અંતિમ મંજૂરી અપાય એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ શિંદે જૂથને મળે એટલા જ મહામંડળો લેવાની જીદ અજિત પવાર જૂથે પણ પકડી છે. આ બધામાં વિલંબ થઈ રહ્યો છે અને બીજી તરફ ચૂંટણીઓ નજીક આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button