ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં પચાસ ટકાનું નોંધાયું ગાબડું, જાણો શું છે કારણ?
Electric Vehicle Sales: રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે તે માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. પરંતુ હાલ સબસિડી બંધ કરવામાં આવતા વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 2023માં સર્વાધિક 18,20,952 વાહનો નોંધયા હતા, જેમાં ઇલેક્ટ્રીક વાહનો વર્ષે 2023માં સૌથી વધુ 88,615 નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 44,993 વાહનોનું જ રજિસ્ટ્રેશન થયું છે. ટુ વ્હીલરમાં સબસિડી બંધ થતાં વાહનોની ખરીદીમાં 50 ટકાનો જેટલો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનચાલકોને થશે ફાયદો : અમદાવાદમાં ઇલે. વાહનો માટે વધુ 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનના છેલ્લા પાંચ વર્ષનાં આંકડા પર નજર કરીએ તો 2020માં નવા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માંડ 1,123ની હતી. જ્યારે 2021માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધીને 9,763 થઈ ગઈ હતી. 2022માં 68,99, 2023માં 88,615 અને 2024માં 16મી ઓકટોબર સુધીમાં 44,993 નવા ઇલેક્ટ્રિક વાહનોનુ રજિસ્ટ્રેશન થયું હતું.
અમદાવાદ મનપા દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં કુલ 12 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હાલ કાર્યરત છે. મનપા દ્વારા પીપીપી ધોરણે વધુ 27 જેટલા નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવા અંગેની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. સૌથી વધુ સુરત શહેરની અંદર કુલ 50 જેટલા EV વાહનોને ચાર્જ કરવા માટેના સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ફોર વ્હીલ માટે શહેરના અલગ-અલગ ઝોનની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તમામ ચાર્જિંગ સ્ટેશનનો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: આવી ગઇ દેશની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, ભારત ઈલેક્ટ્રિક વાહનો બનાવશે
સરકાર દ્વારા એક લાખ ઈલેકટ્રિક ટુ વ્હીલ વેચાયા ત્યાં સુધી સબસિડી આપવામાં આવતી હતી પરંતુ તે પછી સબસિડી બંધ કરી દેવામાં આવી છે. સબસિડી મળતી હતી ત્યારે અનેક લોકો પેટ્રોલ ટુ વ્હીલના બદલે ઈલેકટ્રિક ટુવ્હીલ પર પસંદગી ઉતારતા હતા. જ્યારથી સબસિડી બંધ થઈ છે ત્યારથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇવી વેચાઈ રહ્યા છે.