“અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
મુંબઈ: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે મુંબઈમાં રામાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 25 રને હરાવીને 3 મેચની શ્રેણી 3-0થી જીતી (NZ defeated India in test series)લીધી છે. છેલ્લા 24 વર્ષમાં આ પ્રથમ વખત ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં હોમ ગ્રાઉન્ડ પર ક્લીન સ્વીપ થઇ છે. આ શરમજનક હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર નિરાશા સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી..
મેચ બાદ હર્ષા ભોગલેના સવાલોના જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, ટેસ્ટ મેચ કે સિરીઝ હારવી એ પચાવી શકાય એવી વાત નથી. અમે સ્વીકારીએ છીએ કે અમે શ્રેણી દરમિયાન સારું પ્રદર્શન કર્યું ન હતું, ન્યૂઝીલેન્ડ અમારા કરતા સારું ક્રિકેટ રમ્યું હતું. અમે મેચ દરમિયાન ઘણી ભૂલો કરી. શરૂઆતની બંને મેચમાં અમે સ્કોરબોર્ડ પર સારો સ્કોર નોંધાવી શક્યા ન હતા. અહીં અમે સફળતાપૂર્વક રન બનાવી શક્યા હોત, પરંતુ ટીમ એક યુનિટ તરીકે સફળ ન થઈ શકી.
આટલું જ નહીં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના પ્રદર્શન અંગે પણ નિવેદન આપ્યું. રોહિત શર્મા પોતાના પ્રદર્શનથી નાખુશ દેખાયો. તેણે કહ્યું કે, “જ્યારે હું બેટિંગ કરવા ઉતરું છું, ત્યારે હું એક પ્લાન લઈને ઉતરું છું, પરંતુ આ સિરીઝમાં એ કામ ન આવ્યું. જેના કારણે હું ખુશ નથી. રિષભ પંત અને વોશિંગ્ટન સુંદરે અમને બતાવ્યું કે આવી સ્થિતિમાં કેવી રીતે બેટિંગ કરવી. પરંતુ આ સિરીઝમાં અમારા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કેપ્ટન તરીકે હું પણ નિષ્ફળ ગયો અને મારું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું.”
Also Read – મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ
તેણે કહ્યું કે, “અમે 3-4 વર્ષથી આવી પીચ પર રમી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે કેવી રીતે રમવું. જો કે, આ સિરીઝમાં એવું ન બન્યું અને અમે દુઃખી છીએ. ઘણી વસ્તુઓ અમે ઈચ્છીએ છીએ તે પ્રમાણે ન થઈ. અમે એકજુટ થઈને પ્રદર્શન કર્યું ન હતું જેના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.”