અમૃતસરથી હાવડા જતી ટ્રેનમાં થયો Blast,ચાલુ ટ્રેનમાંથી લોકો કુદયા, ચાર લોકો ઘાયલ
ફતેહગઢ : પંજાબમાં એક ટ્રેનમાં વિસ્ફોટ(Train Blast)થયો હતો. જેમાં અમૃતસરથી હાવડા જતી ટ્રેન નંબર 13006માં શનિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. ફતેહગઢ સાહિબના સરહિંદ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બામાં રહેલા ફટાકડામાં આગ લાગી હતી. ટ્રેનમાં વિસ્ફોટ થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલવે પોલીસ અને વિભાગના અધિકારીઓ પણ મધરાતે દોડી આવ્યા હતા. આ ઘટના દરમિયાન ટ્રેનને સરહિંદ સ્ટેશન પર લગભગ અડધો કલાક રોકી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે.
તેની સ્પીડ ઓછી હતી
આ અકસ્માતમાં ઘાયલોને ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનની પાછળની
જનરલ બોગીમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રેનની બોગીમાં ધુમાડો હતો. ત્યારબાદ મુસાફરોએ કૂદવાનું શરૂ કર્યું. ટ્રેન લુધિયાણાથી શરૂ થઈને સરહિંદ જંકશન પર થોભ્યા બાદ અંબાલા જવા નીકળી હતી. તેથી તેની સ્પીડ ઓછી હતી.
ટ્રેનમાં અનેક વિસ્ફોટ થયા હતા
બ્રાહ્મણ માજરા રેલવે બ્રિજ પાસે એક બોગીમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા. બોગીમાં ધુમાડો હતો અને લોકો બૂમો પાડતા હતા. ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મુસાફરો જીવ બચાવવા બહાર દોડી ગયા હતા. કોઈએ કૂદકો માર્યો અને કોઈ ઈમરજન્સી બારીમાંથી બહાર નીકળ્યા હતા. સદનસીબે ટ્રેનની સ્પીડ ધીમી હતી.
ડોલમાં રાખેલા ફટાકડામાં આગ લાગી
આ ઘટનાની માહિતી મળ્યા બાદ જીઆરપી ડીએસપી જગમોહન સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બોગીનું નિરીક્ષણ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે એક મુસાફર તેના સામાન સાથે ફટાકડા લઈને તેના ગામ જઈ રહ્યો હતો. ફટાકડા ડોલમાં મૂકવામાં આવ્યા હતા. બોગીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફટાકડામાં આગ લાગી હતી અને વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં દંપતી સહિત ચાર મુસાફરો ઘાયલ થયા હતા. તમામની હાલત સ્થિર છે.
વીજ વાયરમાંથી તણખા જોયા હતા
લખનઉ જઈ રહેલા મુસાફર રાકેશ પાલે જણાવ્યું કે બોગીમાં ઘણી ભીડ હતી. જ્યારે ટ્રેન સરહિંદથી નીકળીત્યારે વીજ વાયરમાંથી તણખા નીકળ્યા અને વિસ્ફોટ પણ થવા લાગ્યા હતા. મુસાફરોએ એલાર્મ વગાડ્યું અને પછી ટ્રેન રોકી દેવામાં આવી. બાદમાં જાણવા મળ્યું કે ફટાકડા ડોલમાં હતા. જેમાં આગ લાગી હતી.