કેનેડાએ ભારતનું નામ દુશ્મન દેશોની યાદીમાં સામેલ કર્યું! ભારતે આપ્યો આવો જવાબ
નવી દિલ્હી: ભારત અને કેનેડાના સંબંધો ઐતિહાસિક ખરાબ સ્તરે પહોંચી (India-Canada Tension) ગયા છે. એવામાં કેનેડાએ વધુ એક પગલું ભર્યું છે, જેને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે. કેનેડાએ પ્રથમ વખત ભારતનું નામ “સાયબર સિક્યોરીટી માટે જોખમ” (Cyber Adversary) પેદા કરતા દુશ્મનોની યાદીમાં સામેલ કર્યું છે. આ પગલા દ્વારા કેનેડાએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે કેનડા સામે ભારત સરકાર દ્વારા જાસૂસી થવાની શક્યતા છે. જ્યારે ભારતે આ પગલાને વખોડી કાઢ્યું છે.
કેનેડાના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-2026 (NCTA 2025-2026) રિપોર્ટમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પછી ભારતને પાંચમાં સ્થાન પર રાખવામાં આવ્યું છે. NCTAના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, “અમારા મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે ભારત સરકાર સમર્થિત સાયબર અટેકર્સ જાસૂસીના હેતુસર કેનેડા સરકારના નેટવર્ક્સ સામે સાયબર અટેકનું જોખમ ઉભું કરી શકે છે.”
2018, 2020 અને 2023-24 માટેના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ્સમાં ભારતનો કોઈ ઉલ્લેખ ન હતો, જ્યારે 2025-26ના મૂલ્યાંકનમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાની સાથે ભારતનો ઉલ્લેખ “Cyber adversary” તરીકે કરવામાં આવ્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, “ભારત સરકાર સ્થાનિક સાયબર ક્ષમતાઓ સાથે આધુનિક સાયબર પ્રોગ્રામ બનાવવી રહી છે. ભારત તેનો ઉપયોગ જાસૂસી પ્રવૃતિઓ સહિત તેના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને માટે કરે છે. જેનો ઉપયોગ કેનેડા સરકારના નેટવર્ક સામે જાસૂસીના હેતુસર સાયબર પ્રવૃત્તિ કરવા માટે થઇ શકે છે.”
આ પણ વાંચો…..Iran Israel War: અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી, કહ્યું જો ઈઝરાયેલ પર હુમલો કર્યો તો ..
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ” આ વર્ગીકરણ ભારતને બદનામ કરવાની કેનેડાની વ્યૂહરચનાનો એક ભાગ છે.”
ભારતનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા તેની ધરતી પર ખાલિસ્તાન તરફી તત્વોને આશ્રય આપે છે.