આ મહિને બે દિવસ બંધ રહેશે UPI સેવા, બેંકે ગ્રાહકોને આપી જાણકારી
નવી દિલ્હી : ભારતમાં યુપીઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં દરરોજ કરોડો રૂપિયાના યુપીઆઇ(UPI) વ્યવહારો થઈ રહ્યા છે. યુપીઆઈએ નાણાંકીય વ્યવહારોને ખૂબ જ સરળ અને સુરક્ષિત બનાવ્યા છે. જોકે, UPI આ મહિનામાં બે દિવસ માટે બંધ રહેશે અને લોકો UPIનો ઉપયોગ કરી શકશે નહીં. HDFC બેંકે તેના ગ્રાહકોને આ અંગે જાણ કરી છે.
HDFC બેંકની UPI સેવા આ બે દિવસ માટે બંધ રહેશે
HDFC બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ નવેમ્બરમાં બે દિવસ સુધી બેંકની UPI સેવાનો ઉપયોગ નહિ કરી શકે. બેંકની વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ એચડીએફસી બેંકની યુપીઆઈ સેવા કેટલાક મહત્વપૂર્ણ સિસ્ટમ મેન્ટેનન્સના કારણે નવેમ્બરમાં બે દિવસ માટે બંધ રહેશે. HDFC બેંકની UPI સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો 5 નવેમ્બર અને 23 નવેમ્બરના રોજ UPI દ્વારા પૈસા મોકલી કે પ્રાપ્ત કરી શકશે નહીં.
આ પણ વાંચો….Kedarnath Dham:બંધ થયા બાબા કેદારનાથના કપાટ, છ મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વરથી થશે દર્શન
UPI સેવા ક્યારે બંધ રહેશે ?
HDFC બેંકે જણાવ્યું કે બેંકની UPI સેવાઓ 5 નવેમ્બરે સવારે 12.00 થી 02.00 વાગ્યા સુધી 2 કલાક અને ત્યારબાદ 23 નવેમ્બરે સવારે 12.00 થી 03.00 વાગ્યા સુધી 3 કલાક માટે બંધ રહેશે. બેંકે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન, HDFC બેંકના વર્તમાન અને બચત ખાતાઓ તેમજ RuPay કાર્ડ્સ પર કોઈપણ નાણાકીય અને બિન-નાણાકીય UPI વ્યવહારો શક્ય બનશે નહીં. આ સિવાય HDFC બેંકની UPI સર્વિસ દ્વારા પેમેન્ટ લેનારા દુકાનદારો પણ આ સમયગાળા દરમિયાન પેમેન્ટ લઈ શકશે નહીં.
એચડીએફસી બેંક ખાતા સાથે લિંક યુપીઆઇ નહિ ચાલે
જે ગ્રાહક એચડીએફસી બેંક ખાતામાંથી UPI ચલાવે છે. તે HDFC બેંક મોબાઇલ એપ્લિકેશન, Paytm, PhonePe, Google Pay, Mobikwik જેવા UPI દ્વારા નાણાં મોકલી અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન HDFC બેંક સાથે જોડાયેલ કોઈ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે નહિ.