ઘરમાં છુપાયેલા આંતકીને બહાર કાઢવા સેનાએ કર્યો બ્લાસ્ટ, લશ્કર-એ-તૈયબાનો આતંકી ઠાર
News: શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકીને ઠાર કર્યો હતો, જ્યારે ચાર સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.
આઈજીપી વી.કે.બર્ડીએ જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ આતંકીની ઓળખ ઉસ્માન તરીકે થઈ છે. તે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. ઇન્સ્પેક્ટર મસરૂરની હત્યામાં તેની ભૂમિકા અને સંડોવણી પ્રકાશમાં આવી છે. ચાર સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આજે સવારે શહેરના ખાનયાર વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જવાબી કાર્યવાહી કરનાર સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.
સેનાને શ્રીનગરના ખાનયારમાં આતંકીઓના છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. જેમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે, છૂપાયેલા આતંકીઓમાં લશ્કરનો એક મોટો કમાન્ડર પણ સામેલ છે, જે એક મોટી ઘટનાને અંજામ આપવાના છે.
ઇનપુટ મળતા જ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આજે સવારથી જ આતંકીઓ ઘરમાંથી બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આતંકીઓએ તે ઘરની અંદરથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા. તે ઘરમાંથી આતંકીઓને બહાર કાઢવા માટે સેના દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સેનાએ એક પ્રકારનું કેમિકલ પણ વાપર્યું હતું, જેના કારણે આગ અને ધુમાડો થયો હતો અને આ જોઈને આતંકીઓ બહાર આવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ એવું થયું નહીં. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી હતી.
આપણ વાંચો: J&Kના અખનૂરમાં બીજો આતંકવાદી ઠાર, આર્મી ડોગ Phantomનું ગોળી વાગવાથી મૃત્યુ
આ ફાયરિંગમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના બે જવાનો અને બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમને આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અન્ય એક ચાલુ ઓપરેશનમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શંગુસ-લાર્નૂ વિસ્તારમાં હલકાન ગલી નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
શુક્રવારે આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં 14 રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. સૈનિકોની જવાબી કાર્યવાહીમાં આતંકીઓ ભાગતા જોવા મળ્યા હતા. આના થોડા સમય પહેલા જ આતંકીઓએ બડગામમાં બે પ્રવાસી મજૂરો પર ફાયરિંગ કર્યું હતું.