રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી

ભારતના બે સૌથી પ્રખ્યાત બિઝનેસ પરિવારોમાંથી આવતા, પાવર કપલ ઈશા અંબાણી અને આનંદ પીરામલ પોતપોતાના કૌટુંબિક વ્યવસાયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ, જિયો ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ, રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્સ્ટિટ્યૂશન ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ સહિત વિવિધ મુખ્ય રિલાયન્સ એન્ટિટીના બોર્ડમાં સેવા આપે છે. દરમિયાન, તેમના પતિ આનંદ પીરામલ પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પિરામલ રિયલ્ટીના સ્થાપક છે.

તેમના લગ્ન 2018માં ખૂબજ વૈભવી રીતે થયા હતા જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. લગ્નની ભેટ તરીકે, આનંદના માતા-પિતા અજય અને સ્વાતિ પિરામલે કપલને મુંબઇના વરલી ખાતે 3D ડાયમંડ આકારમાં ડિઝાઇન કરવામાં આવેલો રૂ. 500 કરોડની કિંમતનો એક 50,000 ચોરસ ફૂટનો બંગલો – ગુલિતા ભેટમાં આપ્યો હતો જે પિરામલ પરિવારની માલિકીની ઘણી કિંમતી મિલકતોમાંની એક છે. જોકે, કપલને વરલીમા આપેલા આ બંગલા ઉપરાંત પિરામલ પરિવાર પાસે અનેક પ્રોપર્ટી છે. એમાંની એક પ્રોપર્ટી વિશે આપણે આજે જાણીશું. આ પ્રોપર્ટી રાજસ્થાનમાં છે.

પિરામલ પરિવારના મૂળ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના એક નાનકડા શહેર બાગરમાં છે, જ્યાં તેઓની પૂર્વજોની હવેલી છે. પરિવારે બગરમાં 500 વીઘાથી વધુ જમીન શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ માટે દાનમાં આપી છે. પિરામલ પરિવારના સ્થાપક શેઠ પિરામલ ચતુર્ભુજ 20મી સદીની શરૂઆતમાં દેશ છોડીને માત્ર 50 રૂપિયા લઇને મુંબઇ આવ્યા હતા. જોકે, તે સમયે 50 રૂપિયાની વેલ્યુ પણ આજના પાંચ લાખ રૂપિયાથી વધારે હતી. પિરામલ શેઠે કાપડનો વ્યવસાય કરી પિરામલ વારસાનો પાયો નાખ્યો હતો. બાગરમાં 1928માં બનેલી પૈતૃક હવેલી હવે હેરિટેજ હોટલ બની ગઇ છે, જે ઐતિહાસિક સ્થળોને હોટલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ણાત નીમરાના હોટેલ્સે તૈયાર કરી છે. હવેલીમાં એક સુંદર બગીચો છે, થાંભલાવાળા વોકવે સાથે બે ભવ્ય પ્રાંગણ ધરાવે છે. આંગણાની દિવાલો વાઇબ્રન્ટ ભીંતચિત્રોથી શણગારવામાં આવી છે, જેમાં દેવદૂતો, એરોપ્લેન અને મોટર કાર ચલાવતા દેવતાઓના નિરૂપણનો સમાવેશ થાય છે. હવેલીની મુખ્ય વિશેષતા રાજા મહારાજાઓના આગમન માટે શેઠ પીરામલ દ્વારા તૈયાર કરવામાં આવેલું ભવ્ય પ્રવેશદ્વાર છે. રાજા મહારાજાઓ હાથી પર સવાર થઇ આ હવેલીમાં આવતા હતા.

બાગર નગરમાં તમને ઘણી હવેલીઓ જોવા મળશે, પરંતુ તેમાંથી સૌથી પ્રખ્યાત પિરામલ પરિવારની પૈતૃક હવેલી છે