India Canada Relations: કેનેડાના ઉપ વિદેશ મંત્રીના નિવેદન પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. સરકારે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારે કેનેડાના રાજદૂતને બોલાવીને ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) પર આવેલા નિવેદનને લઈ વાંધો ઉઠાવ્યો છે. શાહ પર લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. સુનિયોજિત કાવતરા અંતર્ગત ખોટી જાણકારી લીક કરવામાં આવી છે. આ પ્રકારની ખોટી જાણકારીથી દ્વીપક્ષીય સમજૂતી પર અસર પડશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે (MEA Spokesperson Randhir Jaiswal) કહ્યું, આ ભારત સામે કાવતરું રચીને હુમલો કરવાની કેનેડાની રણનીતિનું વધુ એક ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વરિષ્ઠ અધિકારીએ પહેલાં પણ ખુલીને સ્વીકાર્યું છે કે તેઓ વૈશ્વિક સ્તરે ભારતના દબદબાને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આ તમામ આરોપો પુરાવા વગર લગાવવામાં આવ્યા છે. ભારત પર હુમલો કરવાની કેનેડાની આ અલગ રણનીતિ છે. સાથે સાથે વાહિયાત અને પાયાવિહોણી વાતો કરીને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી.
કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવનું કારણ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર છે. 18 જૂન, 2023ની સાંજે કેનેડામાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ નિજ્જરની હત્યામાં ભારત સરકાર પર સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારત સરકારે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
આ પણ વાંચો :કેનેડાના વડા પ્રધાન Justin Trudeau મુશ્કેલીમાં, 28 સાંસદોએ કર્યો બળવો
જે બાદ નિજ્જરની હત્યાના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે તેઓ માને છે કે નિજ્જરની હત્યા કરવાનું કામ ભારત મારફતે તેમને સોંપવામાં આવ્યું હતું. ત્યારે ભારતે આ મામલે કહ્યું હતું કે આ કેનેડાનો આંતરિક મામલો છે. ત્યાર બાદથી કેનેડા ભારત પર વિવિધ આરોપો લગાવી રહ્યું છે.