હાવડાઃ પશ્ચિમ બંગાળના હાવડામાં(Howrah)દિવાળી પર ફટાકડા ફોડતી વખતે એક ઘરમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન ઘરમાં રહેલા ત્રણ બાળકો આગથી દાઝી ગયા હતા. આ અકસ્માત હાવડાના ઉલબેરિયા વિસ્તારમાં થયો હતો. આગથી નજીકની એક દુકાન પણ લપેટમાં આવી હતી. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું ત્યાં સુધીમાં ત્રણ બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા જેના કારણે તેઓના મોત થયા હતા.
ફટાકડાના તણખાને કારણે આગ
ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ઉલુબેરિયા નગરપાલિકાના વોર્ડ નંબર 27માં બની હતી. ઘટના દરમિયાન તે જ વિસ્તારના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડામાંથી તણખા નજીકમાં રાખેલા કેટલાક ફટાકડા પર પડતાં આગ લાગી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને એક ઘરને પણ લપેટમાં લીધું હતું.આ આગમાં ત્રણ બાળકો દાઝી ગયા છે. ત્રણેય બાળકોને તાત્કાલિક ઉલુબેરિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે અકસ્માતમાં અન્ય બે લોકોની હાલત ગંભીર છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ત્રણ બાળકો મૃત્યુ પામ્યા
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે જે ઘરમાં આગ લાગી તે કાજલ શેખ નામની મહિલાનું હતું. મૃત્યુ પામેલા ત્રણ બાળકોમાંથી એક તેના પરિવારનો હતો. જ્યારે બાકીના પડોશીઓ હતા.