મલાડમાં યુવકે કરી આત્મહત્યા: ત્રણ સામે ગુનો દાખલ
અંતિમ પગલું ભરતા પહેલાં ઉતારેલા વીડિયોમાં ત્રણેયનાં નામ જણાવ્યાં
![Youth commits suicide in Malad](/wp-content/uploads/2024/11/Youth-commits-suicide-in-Malad.webp)
મુંબઈ: મલાડમાં 22 વર્ષના યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ઇન્ટરનેટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર કંપનીના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે કુરાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. યુવકે અંતિમ પગલું ભરતાં પહેલા શૂટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં ત્રણેય જણનાં નામ જણાવ્યાં હતાં.
મૃતકની ઓળખ ચંદ્રેશકુમાર તિવારી તરીકે થઇ હતી, જે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતો હતો. તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે ચંદ્રેશને પરેશ શેટ્ટી, દીપક વિશ્ર્વકર્મા સહિત ત્રણ જણ પરેશાન કરી રહ્યા હતા. આથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું હતું.
આપણ વાંચો: ચિંતાજનક : AI સાથે પ્રેમ થતા 14 વર્ષના બાળકે આત્મહત્યા કરી, માતાએ કંપની પર કેસ કર્યો
મલાડ પૂર્વમાં શિવાજીગર ખાતેના પ્રતાપનગરમાં ચંદ્રેશ તિવારીએ તેના ઘરમાં છતના હૂક સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાધો હતો. આત્મહત્યા કરતા પૂર્વે ચંદ્રેશે વીડિયો સ્ટેટમેન્ટ શૂટ કર્યું હતું અને તે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું.
ચંદ્રેશના પિતરાઇ પવને પોલીસને જણાવ્યું હતું કે બુધવારે ચંદ્રેશ ફોન રિસિવ કરી રહ્યો નહોતો, જેને પગલે સંબંધીને ઘરે તપાસ કરવા મોકલાયો હતો. ચંદ્રેશ દરવાજો ખોલતો ન હોવાથી સંબંધીએ દરવાજો તોડતાં અંદર ચંદ્રેશ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચંદ્રેશને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. પવને પોલીસને ચંદ્રેશનું વીડિયો સ્ટેટમેન્ટ બતાવ્યું હતું.
પવને પોલીસને કહ્યું હતું કે ચંદ્રેશ અગાઉ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો, પણ આઠ મહિના બાદ નોકરી છોડીને તે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં જોડાયો હતો, કારણ કે મેનેજર દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો.