મુંબાદેવીના મહિલા ઉમેદવાર સામે અપમાનજનક ટિપ્પણી: સાંસદ અરવિંદ સાવંત સામે પોલીસ ફરિયાદ…
મુંબઈ: શિવસેના યુબીટીના નેતા અને મુંબઈ-દક્ષિણના સાંસદ અરવિંદ સાવંતે તાજેતરમાં શિવસેનામાં તાજેતરમાં દાખલ થઈને મુંબાદેવી બેઠક પરથી લડી રહેલા મહિલા નેતા વિશે અપમાનજનક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો.
આ પણ વાંચો : અરવિંદ સાવંતની શાઈના એનસી સંબંધી ટિપ્પણીનો વિવાદ
ઓનલાઈન ફરતા વીડિયોમાં, સાવંત મીડિયાને સંબોધિત કરતી વખતે ઉમેદવારને ‘માલ’ તરીકે સંબોધતાં સાંભળી શકાય છે.
આ મામલે હવે નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે રાજ્ય વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.
સાવંતને એવું કહેતા સાંભળવામાં આવે છે કે, ‘આયાતી નહીં ચલતા યહાં, આયાતી માલ નહીં ચલતા હમારે યહાં, હમારે યહાં અસલી માલ ચલતા હૈ, મૂળ માલ હૈ હમારા,’ જેનો અનુવાદ થાય છે, ‘આયાતી વસ્તુ અહીં સ્વીકારવામાં આવતી નથી,
આયાતી માલ અહીં સ્વીકારવામાં આવતો નથી. અહીં મૂળ માલ સ્વીકારવામાં આવે છે, અમારો માલ અસલ છે.’
સાવંતની ટિપ્પણીએ વિવાદ સર્જ્યો છે, શિવસેના (યુબીટી)ના નેતાએ કરેલી મહિલાઓ સંબંધી અપમાનજનક ટિપ્પણી માટે આગામી ચૂંટણીઓમાં મતદારો તેમને પાઠ ભણાવશે, એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
દરમિયાન શાઈના એનસીએ મહિલાઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાબતે મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમની ફરિયાદને આધારે શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય અરવિંદ સાવંત વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો છે.
બીજી તરફ અરવિંદ સાવંતે એવો ખુલાસો કર્યો હતો કે હિન્દીમાં માલ એટલે અંગ્રેજીના ગુડ્સ (સામાન) કહેવાય છે. મેં મારી પાર્ટીના નેતાનો ઉલ્લેખ પણ ઓરિજિનલ માલ તરીકે કર્યો હતો. આ મોટી ગેરસમજ છે. શાઈના એનસી અમારા મિત્ર છે, શત્રુ નથી. મારી 50 વર્ષની રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈનું અપમાન કર્યું નથી.
આ પણ વાંચો : અરવિંદ સાવંતની શાઈના એનસી સંબંધી ટિપ્પણીનો વિવાદ
આ બધા વચ્ચે રાજ્ય વિધાનપરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ કેન્દ્રીય ચૂંટણી પંચને લેખિતમાં મહિલાઓના અપમાનજનક નિવેદનની ફરિયાદ કરીને અરવિંદ સાવંત સામે પગલાં લેવાની માગણી કરી છે.