કચ્છમાં દુર્લભ ઘોરાડ સહીત ૨૩૦ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા, પ્રવાસી પક્ષીઓ પાકિસ્તાન તરફ વળ્યાં…
ભુજઃ અનેક ભૈગૌલિક સંપદાઓથી સમૃદ્ધ ભાતીગળ પ્રદેશ કચ્છ પરથી પસાર થતાં રૂપકડાં પ્રવાસી પક્ષીઓએ આ રણપ્રદેશ પરથી તેમનો પસાર થવાનો રૂટ બદલ્યો હોવાનું તાજેતરમાં પક્ષી નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલાં પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટમાં રસપ્રદ અને વૈજ્ઞાનિક પૃથક્કરણ માંગી લે તેવું તારણ બહાર આવ્યું છે. મધ્ય અને પૂર્વ એશિયાથી આફ્રિકા તરફ પ્રવાસ ખેડતાં આ પક્ષીઓ મોટાભાગે મધ્ય કચ્છમાં આવેલા સ્ક્રબ ફોરેસ્ટમાં આવતાં પણ હવે તેઓ ઉત્તર તરફ એટલે કે, ભાતીગળ બન્ની પ્રદેશ અને રાપર જેવા સીમાવર્તી વિસ્તારો તરફ વળ્યાં છે.
આ પણ વાંચો : ટ્રાવેલ પ્લસ : ધરતીના ખરા મુસાફર એવા યાયાવર પક્ષીઓનું ભારતમાં આગમન
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા વનવિભાગના સહયોગ સાથે ગત ૧૩મીથી ૧૫મી સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવેલી પક્ષી ગણતરીમાં જોતરાયેલા ૧૪૦ પક્ષી નિરીક્ષકોએ કચ્છમાં ૨૩૦ જેટલી વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધ્યા હતા. પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓની આઠ પક્ષીઓની પ્રજાતિમાં કાશ્મિરી ચાસ, લાલપીઠ લટોરો, લાલપૂંછ લટોરો, મોટો પતરંગો, કૂહુ કંઠ, દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતકંઠ સામેલ છે. આ તમામ પક્ષીઓ ઓગસ્ટથી ઓક્ટોબરના ઋતુસંધિકાળના સમયગાળામાં કચ્છમાંથી પસાર થાય છે.
આ પણ વાંચો : યાયાવર પક્ષીઓની શિયાળુ સફરની દુનિયામાં એક લટાર
સામાન્ય રીતે આ માઈગ્રન્ટ પક્ષીઓ મધ્ય કચ્છ પરથી પસાર થતા વધુ નોંધાયા છે, પરંતુ આ વર્ષે પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટમાં આ પેટર્ન બદલાઈ છે. મધ્ય અને પૂર્વ એશિયાથી આફ્રિકા જતા પક્ષીઓએ મધ્ય કચ્છને ઓછું પસંદ કરીને ઉત્તર બાજુનો રૂટ પર પસંદગી ઉતારી છે તેમ બી.સી.એસ.જીના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ઉદય વોરાએ જણાવ્યું હતું.
બોનેલિસ ઇગલ પણ જોવા મળ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા પરના વિઘાકોટ નજીક પક્ષી નિરીક્ષકોની ટુકડીને સંસાગર એટલે બોનેલિસ ઇગલ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આ વિસ્તારમાં આ પક્ષી જૂજ નોંધાયું હોવાનું નિરીક્ષણ ટીમના નિષ્ણાતોએ ઉમેર્યું હતું. આ વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી પાર્કનો પણ ધમધમાટ છે, આ વચ્ચે જૂજ દેખાતા શિકારી પક્ષીની હાજરી સૂચક છે.
આ પણ વાંચો : ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ
અત્યંત દુર્લભ ઘોરાડ પક્ષી જોવા મળતાં નિરીક્ષકો થયા રોમાંચિત
દરમિયાન, પશ્ચિમ કાંઠાના કોટેશ્વર-અબડાસા નજીક પક્ષી નિરીક્ષણ કરી રહેલી અન્ય ટુકડીને અત્યંત દુર્લભ એવું ઘોરાડ પક્ષી જોવા મળતા પક્ષી નિરીક્ષકો રોમાંચિત થયા હતા. ગુજરાતમાં માત્ર કચ્છમાં જ આ ચાર પક્ષીઓ બચ્યા હોવાનું ડો.વિપુલ પટેલે ઉમેર્યું હતું.
કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ વિવિધ પક્ષીઓ નોંધાયા હતા.બંદરીય માંડવી નજીક ૮૪ પક્ષીઓની પ્રજાતિ, કચ્છના નાયગ્રા ફોલ્સ તરીકે ઓળખાતા લખપતના કડિયા ધ્રો ખાતે ૨૬ જેટલી વિવિધ પક્ષીઓની પ્રજાતિ અને ભુજના સ્મૃતિવન સનસેટ ટ્રેક પર ૧૪ પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ હતી. નખત્રાણાના ફોટ મહાદેવ નજીક ૧૬, હમીરસર તળાવ નજીક વિવિધ ૧૯ પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ હતી. મોટા રણમાં સૌથી વધુ ૧૧૯ પ્રજાતિના પક્ષી ટહેલતા જોવા મળ્યા હતા. કોટેશ્વર આસપાસ ૧૧૩ પ્રજાતિના પક્ષીઓની નોંધ થઇ હોવાનું ડો.વિપુલ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છના સરહદી વિસ્તારમાંથી ટેગ લગાવેલું શંકાસ્પદ કબુતર ઝડપાયું
નવેમ્બર માસ શરૂ થઇ ચુક્યો હોવા છતાં હજી શિયાળાનું આગમન થયું નથી અને મોટાભાગના મથકોનું મહત્તમ તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે જેથી કરીને બદલાતી જતી ઋતુઓની પેટર્નના લીધે આવા માઈગ્રન્ટ પેસેજ પક્ષીઓ અને સુરખાબ જેવા યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક વૃત્તિઓમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.