રોહિત-યશસ્વીની જોડીનો કીર્તિમાન, મુંબઈમાં 49 વર્ષે રચાયો નવો ઇતિહાસ
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ અને વૉશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 235 રન સુધી સીમિત રખાવવામાં મોટી ભૂમિકા ભજવી અને ત્યાર બાદ ઓપનર્સ રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલની જોડી ફક્ત પચીસ રનની ભાગીદારી કરી શકી હતી, પરંતુ ભાગીદારી શરૂ થવાની સાથે રોહિત-યશસ્વીનું નામ ભારતીય ક્રિકેટમાં ખાસ કરીને મુંબઈ કનેક્શનમાં સામેલ થઈ ગયું હતું.
વાનખેડેમાં ટેસ્ટના દાવની શરૂઆત કરતી વખતે ઓપનિંગ જોડીના રૂપમાં મુંબઈના બે બૅટર મેદાન પર ઊતર્યા હોય એવું 49 વર્ષે બન્યું. આ પહેલાં છેલ્લે 1975માં આવું જોવા મળ્યું હતું જેમાં સુનીલ ગાવસકર અને ફરોખ એન્જિનિયર વાનખેડેમાં ભારત વતી ઓપનિંગ જોડી તરીકે રમ્યા હતા.
આપણ વાંચો: વાનખેડેની ટેસ્ટમાં કદાચ બે ભારતીય દિગ્ગજ ખેલાડી નહીં જોવા મળે
ત્યારે જાન્યુઆરી, 1975માં વાનખેડેમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ રમાઈ હતી. ત્યારે ટેસ્ટમાં એક રેસ્ટ-ડે પણ હતો. વેસ્ટ ઇન્ડિઝ એ મૅચ 201 રનથી જીતવામાં સફળ રહી હતી.
વેસ્ટ ઇન્ડિઝે ત્યારે ક્લાઇવ લૉઇડના સુકાનમાં એ સિરીઝ 3-2થી જીતી લીધી હતી.
શુક્રવારે વાનખેડેમાં રોહિત ફક્ત 18 રન અને યશસ્વી 30 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મુંબઈની ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.