દિવાળીની રાત્રે કચ્છમાં ૩૦થી વધુ આગજનીના બનાવ, ‘મુંબઈ બજાર’ પણ આગમાં સ્વાહા
ભુજઃ દીપોત્સવી પર્વની અવનવા ફટાકડા ફોડીને કરવામાં આવેલી ઉજવણી દરમિયાન રણપ્રદેશ કચ્છમાં આગજનીના નાના-મોટા ૩૦થી વધુ બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ જાન-માલમાં વ્યાપક નુકશાની થઇ હતી.
અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, દિવાળીની રાતના આઠ વાગ્યાથી પરોઢના ત્રણ વાગ્યા દરમ્યાન ભુજ નગરપાલિકા વિસ્તારમાં નાના મોટા આગના કુલ ૧૬ જેટલા અને ગાંધીધામ વિસ્તારમાં ૧૨થી વધુ આગજનીના બનાવો બનવા પામ્યા હતા.
આ દિવાળીમાં સૌથી મોટી આગ ભુજ શહેરની માતૃછાયા કન્યા વિદ્યાલયને અડીને આવેલી અને લોકોની અવરજવરથી સતત વ્યસ્ત જાહેર માર્ગ પરની હંગામી ‘મુંબઈ બજાર’માં લાગી હતી.
આપણ વાંચો: આખરે સુરતને મળ્યા ચીફ ફાયર ઑફિસર, શહેર આગજનીથી બચે તેવી આશા
ઘર વખરી સહિતની પ્લાસ્ટિકથી બનેલી સસ્તા ભાવની ચીજ વસ્તુઓનું વેંચાણ કરતી આ હંગામી મુંબઈ બજાર આગની જ્વાળાઓમાં ખાક થઈ ગઈ હતી. ફાયર વિભાગે ૪૦ હજારથી વધારે લીટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
દિવાળીની અંધારી રાતના આઠ વાગ્યાથી લઇ શુક્રવારની સવારના સાત વાગ્યા દરમ્યાન ભુજના વિવિધ વિસ્તારમાંથી ૧૬ ફાયર કોલ મળ્યા હતા. જેમાં માતૃછાયા કન્યા વિદ્યાલય અને વી. ડી હાઇસ્કૂલને અડકીને આવેલી મુંબઈ બજારમાં ભયાનક આગ લાગી હતી.
આગને ઠારવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટર થયો હતો જો કે સદ્ભાગ્યે જાનહાની ટળી હતી. એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હોવાનું પ્રદીપ ચાવડાએ ઉમેર્યું હતું. બીજી તરફ, પંચરંગી શહેર ગાંધીધામ સંકુલમાં પણ દિવાળીની રાત્રે સતત આગ લાગવાની ખબર મળતી રહી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.