વાયનાડ પેટાચૂંટણીઃ ત્રીજીથી પ્રિયંકા ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે…
વાયનાડ (કેરળ): કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 3 નવેમ્બરથી વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે અને પોતાના ભાઈ રાહુલ ગાંધી સાથે આ વિસ્તારમાં જાહેર સભાઓ અને શેરી સભાઓને સંબોધશે. કોંગ્રેસે આજે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર પ્રિયંકા ગાંધી 7 નવેમ્બર સુધી કેરળમાં રહેશે.
આ પણ વાંચો : Priyanka Gandhi કેટલા અમીર? 59.83 કિલો ચાંદી, જમીનની પણ છે માલિકી…
પ્રિયંકા ગાંધી 3 નવેમ્બરે સવારે 11 વાગ્યે અહીંના મનંથાવાડી સ્થિત ગાંધી પાર્કમાં તેમના ભાઈ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે એક જાહેર સભાને સંબોધશે. તે જ દિવસે તે અન્ય ત્રણ સ્થળોએ અલગ-અલગ શેરી સભા પણ કરશે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રાહુલ તેમની બહેન સાથે સંયુક્ત રેલી સિવાય અહીં આરિકોડમાં એક અલગ જાહેર સભાને પણ સંબોધિત કરશે. પાર્ટીએ કહ્યું કે પ્રિયંકા 4 નવેમ્બરે કાલપેટ્ટા અને સુલતાન બાથેરી વિધાનસભા ક્ષેત્રમાં પાંચ સ્થળોએ શેરી સભાઓ કરશે.
કોંગ્રેસના નિવેદન મુજબ પ્રિયંકા ગાંધી વાડ્રાના 5, 6 અને 7 નવેમ્બરના પ્રચારનો કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે. પ્રિયંકા પેટાચૂંટણી માટે પોતાનો પ્રચાર એવા સમયે ફરી શરૂ કરી રહી છે જ્યારે તેમના હરીફ ઉમેદવારોએ તેમની ટીકા કરતા કહ્યું છે કે તે આ વિસ્તારમાં મહેમાનની જેમ આવશે અને જશે.
આ પણ વાંચો : ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ
ડાબેરી મોરચા ‘એલડીએફ’ના ઉમેદવાર સત્યન મોકેરીએ દાવો કર્યો હતો કે પ્રિયંકા ગાંધી તેમના ભાઈ રાહુલની જેમ મહેમાન તરીકે વાયનાડ આવશે અને જશે અને તે વિસ્તારમાં હાજર રહેશે નહીં. ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે પ્રિયંકાનું આગમન અને રોડ શો એક સીઝનના તહેવાર જેવો છે જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે.