અશ્વિને વિકેટ ન મળવા છતાં રચી દીધો આ રેકૉર્ડ…
મુંબઈ: વાનખેડેમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડને 65.4 ઓવરમાં માત્ર 235 રનમાં ઑલઆઉટ કરાવવામાં રવીન્દ્ર જાડેજા (65 રનમાં પાંચ) અને વૉશિંગ્ટન સુંદર (81 રનમાં ચાર)ના સૌથી મોટા યોગદાન હતા, જ્યારે ત્રીજો મુખ્ય સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિન (47 રનમાં વિકેટ નહીં) એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. ન્યૂ ઝીલૅન્ડ સામે બોલર તરીકેની બાવીસ ઇનિંગ્સ રમનાર અશ્ર્વિને આ નિષ્ફળતા વચ્ચે પણ એક વિક્રમ નોંધાવ્યો હતો.
અશ્ર્વિન ન્યૂ ઝીલૅન્ડ સામેની જે ટેસ્ટમાં રમ્યો હોય અને એમાં કિવીઓ ઑલઆઉટ થયા હોય એવી ઇનિંગ્સમાં તે એક પણ વિકેટ ન લઈ શક્યો હોય એવું પહેલી જ વાર બન્યું છે.
અશ્ર્વિને કિવીઓ સામે બાવીસ ઇનિંગ્સમાં 72 વિકેટ લીધી છે અને તેની બોલિંગ-ઍનેલિસિસ ખૂબ જ સારી (18.43) છે. જોકે શુક્રવારે વાનખેડેમાં તેણે કિવીઓ સામે નિરાશ થવું પડ્યું હતું. તેણે કિવી બૅટર્સને ઘણી વાર બીટ કર્યા હતા, પણ કિવીઓની 10માંથી એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.
ઑફ-સ્પિનર અશ્ર્વિને નવેમ્બર, 2011માં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને ઑગસ્ટ, 2012માં હૈદરાબાદમાં પહેલી વાર ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટમાં રમ્યો હતો. એ મૅચમાં અશ્ર્વિને 31 રનમાં છ વિકેટ તેમ જ બીજા દાવમાં 54 રનમાં છ વિકેટ લીધી હતી. મૅચમાં કુલ 12 વિકેટ લેનાર અશ્ર્વિનનું ભારતને એક દાવ તથા 115 રનથી વિજય અપાવવામાં સૌથી મોટું યોગદાન હતું અને એ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
ત્યાર બાદ અશ્ર્વિને કિવીઓ સામેની તમામ ટેસ્ટ ઇનિંગ્સમાં વિકેટ લીધી હતી. ફક્ત બેન્ગલૂરુમાં ગયા મહિને મૅચના બીજા દાવમાં તેને માત્ર બે ઓવર બોલિંગ મળી હતી જેમાં છ રનમાં તેને વિકેટ નહોતી મળી. એ દાવમાં કિવીઓએ બે વિકેટે 110 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.