રોનાલ્ડો પહેલી વાર પેનલ્ટી કિક ચૂક્યો જેનાથી તેની ટીમને થયું આ મોટું નુકસાન…
રિયાધ: પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ સાથે જોડાયો ત્યાર બાદ તેણે 29મી ઑક્ટોબર સુધીમાં આ ટીમ વતી અગાઉની તમામ 18 પેનલ્ટી કિકને ગોલમાં પરિવર્તિત કરીને એને સફળ બનાવી હતી, પરંતુ મંગળવારની મૅચમાં છેલ્લી ક્ષણે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવવામાં તે નિષ્ફળ ગયો અને અલ નાસરની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
કિંગ્સ કપમાં 14,519 પ્રેક્ષકોની હાજરીમાં રોનાલ્ડોને મુખ્ય મૅચ પછીના સ્ટોપેજ ટાઇમમાં સુપર-હીરો બનવાનો મોકો મળ્યો હતો. ટીમની અત્યંંત પ્રેશરવાળી મૅચમાં ગોલ કરીને અથવા સાથી ખેલાડીને ગોલ કરવામાં મદદ કરીને પોતાની ટીમને મુસીબતમાંથી ઉગારવા માટે રોનાલ્ડો જાણીતો છે. જોકે અલ-તાવૉન સામેની મૅચમાં તે પેનલ્ટીને ગોલમાં ન ફેરવી શક્યો અને અલ નાસર ટીમ આ ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ હતી.
રોનાલ્ડોના તેમ જ અલ નાસર ટીમના અસંખ્ય પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકો માટે એ ક્ષણ યાદગારને બદલે આઘાતજનક બની હતી.
અલ-નાસર સામે અલ-તાવૉન ટીમનો 0-1થી વિજય થયો હતો. મૅચનો એકમાત્ર ગોલ અલ-તાવૉનના વલીદ અલ-અહમદે 71મી મિનિટમાં હેડરથી કર્યો હતો.
હવે રોનાલ્ડો અને અલ નાસર ટીમને આ સીઝનમાં બાકીની બે ટ્રોફી જીતવાનો મોકો છે. સાઉદી પ્રો લીગમાં તેઓ સર્વોચ્ચ ટીમ અલ હિલાલથી છ પૉઇન્ટ દૂર છે. એશિયન ચૅમ્પિયન્સ લીગમાં ત્રણ મૅચ રમીને તેમણે સાત પૉઇન્ટ નોંધાવ્યા છે.