સ્પોર્ટસ

વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સ જાડેજા-વૉશિંગ્ટન સામે ઝૂક્યા, પણ હવે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ટેસ્ટ-ક્રિકેટમાં અહીં વાનખેડે સ્ટેડિયમમાં 50મા વર્ષના સેલિબ્રેશન પ્રસંગે ભારતીય સ્પિનર્સે ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સને પોતાની કાબેલિયત દેખાડી દીધી હતી અને કિવી ટીમને અઢીસો રન પણ નહોતા બનાવવા દીધા. ટી-ટાઇમ બાદ ન્યૂ ઝીલૅન્ડની ટીમ 235 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજા (22-1-65-5) સિરીઝની છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસનો સુપરસ્ટાર સ્પિનર હતો. વૉશિંગ્ટન સુંદરે (18.4-2-81-4) તેને સામા છેડેથી સારો સાથ આપ્યો હતો. બન્નેએ મળીને કુલ નવ વિકેટ લીધી હતી. જોકે બહુ જ સારા ટર્ન અપાવતી વાનખેડેની પિચ પર હવે કિવી સ્પિનર્સ સામે ભારતીય બૅટર્સની કસોટી છે.

Also read: ઓસ્ટ્રેલિયામાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન, આ બોલરે 46 રનમાં 6 વિકેટ લીધી


જોકે ઇનિંગ્સની ચોથી જ ઓવરમાં પેસ બોલર આકાશ દીપે (5-0-22-1) ઓપનર ડેવૉન કૉન્વેની મહત્ત્વની વિકેટ લઈને કિવી ટીમની ઇનિંગ્સનું પતન શરૂ કરાવ્યું હતું. ત્યાર બાદ 16મી ઓવરથી વૉશિંગ્ટન સુંદરે ત્રાટકવાનું શરૂ કર્યું હતું અને 45મી ઓવરથી રવીન્દ્ર જાડેજાએ અસરદાર પર્ફોર્મન્સની શરૂઆત કરી હતી.


ડેરિલ મિચલ (82 રન, 129 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) તથા વિલ યંગ (71 રન, 138 બૉલ, બે સિક્સર, ચાર ફોર) કિવી ટીમના બે સ્ટાર બૅટર હતા. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 87 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે 45મી ઓવરમાં જાડેજાએ પણ ત્રાટકવાનું શરૂ કર્યું હતું એ પાર્ટનરશિપ તોડવાની સાથે કિવીઓની ટીમના રનમશીનને મંદ પાડી દીધું હતું. તેણે કિવીઓની એ 45મી ઓવરમાં તેમ જ પછીથી 61મી ઓવરમાં બે-બે વિકેટ લઈને કિવી બૅટિંગ હરોળને નેસ્તનાબૂદ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.


જાડેજાએ એ બે યાદગાર ઓવરમાં વિલ યંગ (71 રન) તથા વિકેટકીપર ટૉમ બ્લન્ડેલ (0)ને તેમ જ પછીથી ઇશ સોઢી (7) તથા મૅટ હેન્રી (0)ને પૅવિલિયન ભેગા કર્યા હતા.

Also read: IND vs NZ 3rd Test: ન્યૂઝીલેન્ડે ટોસ જીતી કર્યો આ નિર્ણય; બંને ટીમમાં બદલાવ,આવી રહેશે પીચ

રવિચન્દ્રન અશ્ર્વિન (14-0-47-0)ને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે પણ કિવી બૅટર્સને કાબૂમાં રાખવામાં સાથ આપ્યો હતો. ટીમના બીજા પેસ બોલર મોહમ્મદ સિરાજ (6-0-16-0)ને પણ વિકેટ નહોતી મળી શકી. ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીત્યો હતો અને બૅટિંગ પસંદ કરી હતી. જોકે એના બૅટર્સ ટીમને ધાર્યા મુજબ 300-400 જેટલું ટોટલ નહોતા અપાવી શક્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button