Russia-Ukraine War: ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા પહોંચ્યા, અમેરિકાએ ચીનને કરી આવી આપીલ
વોશિંગ્ટન: યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાએ રશિયાની મદદ કરવાની જાહેરાત કરતા અમેરિકા સહીત પશ્ચિમી દેશોની ચિંતામાં (North Korea sent troops to Russia)વધારો થયો હતો. એવામાં ઉત્તર કોરિયાની સેના રશિયા પહોંચતા ખળભળાટ મચી ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં રશિયા ઉત્તર કોરિયાના 10 હજાર સૈનિકો ઉતારવા જઈ રહ્યું છે.
આ સમાચારને કારણે અમેરિકા અને NATOના અધિકારીઓ સતર્ક થઇ ગયા છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ચીનને રશિયા અને ઉત્તર કોરિયા પર તેના પ્રભાવનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય. બીજી તરફ, ચીને અત્યાર સુધી આ ઘટનાક્રમ પર મૌન જાળવી રાખ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં ત્રણ ટોચના અમેરિકી રાજદ્વારીઓએ અમેરિકામાં ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી હતી, જેમાં અમેરિકાની ચિંતાઓ રજુ કરી હતી. આ સમય દરમિયાન, ચીનને ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના સહકારને ઘટાડવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રશિયાએ ગુગલને ફટકાર્યો વિશ્વની કુલ સંપત્તિ કરતાં પણ વધુ દંડ
અમેરિકાના કહેવા પ્રમાણે, યુક્રેન સામેના યુદ્ધમાં ચીન પણ ગુપ્ત રીતે રશિયાની મદદ કરી રહ્યું છે.
ઉત્તર કોરિયાના આ પગલાથી નાટો અને અમેરિકાની ચિંતા વધી ગઈ છે. પરંતુ હવે તેને રોકવાની સમગ્ર જવાબદારી ચીન પર આવી ગઈ છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી સચિવ લોયડ ઓસ્ટિને કહ્યું કે “મને લાગે છે કે આ ફક્ત અમારી જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોની પણ માંગ છે.”