મેટિનીસ્પેશિયલ ફિચર્સ

જ્યારે ગાયનમાં પણ ‘ભૂલ’ રહી જાય!

મહેશ નાણાવટી

આશા ભોંસલે અને કિશોર કુમાર સાથે રેકોર્ડિગ કરતાં  ભલે તમે જૂનાં ફિલ્મી ગાયનોના શોખીન હો, ભલે તમે આ એક ગાયન સેંકડો નહીં -હજારેક વાર સાંભળ્યું હોય, અને ભલે તમને એમાં એક ટાંકણી જેટલી પણ ભૂલ ન જણાઈ હોય છતાં એના શબ્દો ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવશે કે એમાં બહુ જ મોટી ભૂલ રહી ગઈ છે!

ગાયન છે ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’નું ગાયકો આશા ભોંસલે અને મહંમદ રફી સાહેબ અને સંગીતકાર ઓ પી નૈયર …આમાં ગીતકાર રાજા મહેંદી અલી  ખાન સાહેબ કદાચ ગીતના રેકોર્ડિંગ વખતે કાં તો હાજર નહીં હોય અથવા તો પાન-બાન ખાવા માટે સ્ટુડિયોની બહાર ગયા  હશે એમાં જ આવડો મોટો લોચો વાગી  ગયો છે….

તમે હજી વિચાર કરતા હશો કે એ વળી કયું ગાયન? તો એ હતું ‘મૈં પ્યાર કા રાહી હું તેરી જુલ્ફ કે સાયે મેં…’ યાદ આવ્યું? હવે પૂછો, કે એમાં લોચો ક્યાં છે ભૈસાબ?  -તો લોચો એ ગીતના બંને અંતરામાં છે… 

બન્યું છે એવું કે બંને અંતરામાં રફી સાહેબની લાઈનો પછી આશાજીને જે લાઈનો ગાવાની આવે છે એમાં અદલાબદલી થઈ ગઈ છે! જુઓ, પહેલા અંતરામાં રફી સાહેબ કહે છે: ‘તેરે બિન જી લગે ના અકેલે’ જવાબમાં આશાજી કહે છે: ‘હો સકે તો મુઝે સાથ લેલે’ તો રફી સાહેબ ના પાડતાં કહે છે: ‘નાઝની તૂ નહીં જા સકેગી, છોડકર જિંદગી કે ઝમેલે…’ હવે એના જવાબમાં ખરેખર તો એમ આવવું જોઈએ કે: ‘ના મૈં હું નાઝની, ના મૈં હું માહઝબીં, આપ કી હી નજર હૈ દિવાની…’એના બદલે આશાજીએ ગાયું છે:

‘જબ ભી છાયે ઘટા, યાદ કરના જરા, સાત રંગો કી હું મૈં કહાની…’

હકીકતમાં આશાજીનો આ જવાબ બીજા અંતરાના શબ્દો પછી આવવો જોઈએ જેમાં ‘ઘટા’ સાથે વીજળીનો રેફરન્સ છે. અહીં શબ્દો આ મુજબ છે: ‘પ્યાર કી બિજલિયાં મુસ્કુરાયે…’ આશાજી કહે છે: ‘દેખિયે આપ પર ગિર ના જાયેં…’ રફી સાહેબ ગાય છે: ‘દિલ કહે દેખતા હી રહું મૈં, સામને બૈઠકર યે અદાયેં…’ તો એ વખતે આશાજીનો જવાબ ફીટ બેસે છે કે જ‘બ ભી છાયે ઘટા યાદ કરના ઝરા, સાત રંગો કી હું મૈં કહાની…’ પણ એ તો પહેલા અંતરામાં ગવાઈ ગયું!

જોવાની વાત એ છે કે ગીત રેકોર્ડ પણ થઈ ગયું અને એ જ રીતે ફિલ્માઈ પણ ગયું! આપણને થાય કે યાર, આ તો આખેઆખું કોળું શાકમાં? ચાલો, રેકોર્ડિંગ વખતે કોઈનું ધ્યાન ન પડ્યું, પણ શૂટિંગ વખતે તો એક એક લાઈનના છ-છ સાત-સાત રિ-ટેક થતાં હોય, ત્યાં પણ કોઈને ખ્યાલ ના આવ્યો? કદાચ ગીતકાર રાજા મહેંદી અલી ખાંને ખ્યાલ આવ્યો હશે, પણ એ પછી નવેસરથી રેકોર્ડિંગ અને શૂટિંગ કરવાનું મોંઘું પડે તેવું હશે! અને કાતર-ગુંદર-કામ કરવા ગયા હોત તો ગીતની મઝા જ મરી જાત!

આ જ રીતે, બીજા એક જૂના અને યાદગાર ગીતમાં જે મીઠડી – ‘મિસ્ટેક’ થઈ છે એમાં પણ મીઠડી ભૂલ આશાજીથી જ થઈ છે! એ ગાયન છે ‘પિયા પિયા પિયા મોરા જીયા પુકારે’ (ફિલ્મ: ‘બાપ રે બાપ’) મસ્ત ઘોડાગાડીની રિધમવાળું ગાયન છે, જેમાં ગીતના અંતરાઓની લાઈનો બંને ગાયકોએ બબ્બે વાર ગાવાની છે. ત્યાર બાદ આશાજી ‘હાંઆ…’ કરીને અંતરો અને મુખડાને જોડતી ક્રોસ લાઈન ગાય છે. આમાં રેકોર્ડિંગ વખતે એવું થયું કે બીજા અંતરામાં કિશોરદા એમની લાઈન હજી એકવાર ગાય છે ત્યાં તો આશાજી ભૂલથી ‘હાંઆ…’ કરતાં ક્રોસ લાઈન ગાવા ગયા! તરત જ ભૂલ સમજાઈ એટલે અટકી ગયાં!  બીજી તરફ, કિશોરદાએ અટક્યા 

વિના એમની લાઈન રિપીટ કરી જ લીધી. ગાયનનો આ ટેક ‘ઓકે’ થતાંની સાથે  જ આશાજીએ કહ્યું ‘ફિર સે કરના પડેગા. મુજસે ગલતી હો ગઈ…’ તો કિશોરકુમાર કહે છે ‘ચિંતા ના કરો, ફિલ્મનો હીરો હું પોતે છું ને!’

શૂટિંગ વખતે કિશોરકુમારે શું કર્યું? જેવી હીરોઈન (ચાંદ ઉસ્માની) ‘હાંઆ…’ કરીને ગાવા જાય છે ત્યાં કિશોરકુમાર એના મોં પર હાથ મુકીને મસ્તીથી પોતાની લાઈન રિપીટ કરે છે…. પ્રોબ્લેમ સોલ્વ! (જોઈ લેજો યુ-ટયૂબમાં)આ બંને તો ગાયકોની ભૂલો છે, પરંતુ જે સંગીત રસિયાઓ બહુ ધ્યાનથી વિવિધ વાજિંત્રોની બારીકાઈ પણ સાંભળે છે એમના ધ્યાનમાં ફિલ્મ ‘ગાઈડ’ની એક ભૂલ પણ પકડાઈ શકે છે. 

એ ભૂલ ખૂબ જ જાણીતા સેક્સોફોન વાદક બાસુ મનોહારીથી થઈ છે. કયું છે એ ગીત?  ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ…’  આનાં બે વર્ઝન છે, પરંતુ જે વર્ઝનમાં રફીસાહેબે અંતરાની પહેલી પંક્તિઓે બે  વાર ગાઈ છે. એમાં આ ઝીણી મિસ્ટેક રહી  ગઈ છે.

મિસ્ટેક શું છે? તો તમે એ ગીત ધ્યાનથી સાંભળો. એમાં ત્રીજા અંતરા પહેલાંના ઈન્ટરલ્યુડ મ્યુઝિકમાં બાસુ મનોહારીનો એક ખૂબ જ સુંદર સેકસોફોનનો પિસ વાગે છે…બસ, એ પિસ પછી રફીસાહેબની લાઈન આવે છે ત્યારે પાછળ જે સેકસોફોનનો નાનકડો પિસ વાગવો જોઈએ તે વગાડવાનું મનોહારી ભૂલી ગયા છે! 

(અહીં ગીતના શબ્દો છે: ‘લાખ મનાલે દુનિયા, સાથ ના યે છૂટેગા…’)

ખેર, આવી સુંદર ભૂલો એ વખતે એટલે માટે થતી હતી કેમ કે એ જમાનામાં તમામ ગીતો ફૂલ ઓરકેસ્ટ્રા સાથે ‘લાઈવ’ રેકોર્ડ થતાં હતા, જ્યાં અનેક રિહર્સલો પછી રેકોર્ડિંગ વખતે સાવ મામૂલી ભૂલોને કારણે આખેઆખા ગાયનો ‘રિ-ટેક’ લેવા પડતા હતા. આજે તો ડિજિટલ ટૅક્નોલૉજીને લીધે ગાયકો અલગ અને દરેકે દરેક વાજિંત્રો પણ અલગ! એટલું જ નહીં, ક્યારેક તો એક એક શબ્દનું ‘કટિંગ-પેસ્ટિંગ’ થાય છે! બસ, ‘ભૂલ’ આજ કાલ એટલી જ  થાય છે કે સેંકડો ગીતો બને છે જ એવાં  કે સાંભળ્યાની ત્રીસમી સેંક્ધડે ‘ભુલાઈ’  જાય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker