સપાએ ભાજપના ‘બટેંગે તો કટંગે’ના નારાનો આપ્યો જવાબ, લખનઉમાં જોવા મળ્યા પોસ્ટર
લખનઉ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશની 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી (UP assembly by election) યોજાવાની છે. જેને કારણે રાજ્યમાં રાજકીય તાપમાન ગરમ થઇ ગયું છે. આ દરમિયાન દરમિયાન ચૂંટણી સૂત્રો અંગે ભારે હોબાળો મચ્યો છે. ભારતીય જનતા પાર્ટી(BJP)એ ‘બટેંગે તો કટંગે’ ના સૂત્ર સાથે પ્રચાર કરી રહી છે, જેના જવાબમાં સમાજવાદી પાર્ટી(SP)એ પણ પોતાનું સૂત્ર આપ્યું છે. લખનઉના રોડ પર પર સપાના નવા પોસ્ટર જોવા મળ્યા છે.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટંગે’ સૂત્ર આપ્યું હતું, જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં પણ ખૂબ ચર્ચામાં છે. આ નારા પર રાજકારણ ગરમાયું છે, વિપક્ષી પાર્ટીઓ ભાજપના ભગલા પાડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે.
Also Read – Diwali 2024 : દેશભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી, ફટાકડાના કારણે આગથી અનેક સ્થળોએ નુકસાન
હવે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ યુપીની રાજધાની લખનઉમાં નવા પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે. લખનઉના રસ્તાઓ પર અખિલેશ યાદવની તસવીર સાથેના પોસ્ટર જોવા મળ્યા છે અને તેના પર ‘જુડેગે તો જીતેંગે’ અને ‘સત્તાઇસ કા સત્તાધીશ’ લખેલું છે. આ પોસ્ટરો સમાજવાદી પાર્ટીના કાર્યકર વિજય પ્રતાપ યાદવે લગાવ્યા છે.
એક જનસભા દરમિયાન યોગી આદિત્યનાથે બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાનો ઉલ્લેખ કરતા લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે ભૂલો થઈ છે તે ભારતમાં ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે, રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે બધા એક થઈશું.”