ધાતુમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે સત્રના આરંભે કોપરના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે દિવાળીની રજાઓના માહોલમાં કામકાજો પાંખાં રહેતાં વિવિધ ધાતુઓમાં માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ટીન, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે ઝિન્ક સ્લેબ, નિકલ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી પાંચ ઘટી આવ્યા હતા તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમા ઑક્ટોબર મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં બિન ઉત્પાદન ક્ષેત્રે હજુ વૃદ્ધિ મંદ હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ટનદીઠ ૯૫૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.