આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

હું મુખ્યમંત્રી પદ માટે આતુર નથી: દેવેન્દ્ર ફડણવીસ

મેં પહેલેથી જ પાંચ વર્ષ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં ફક્ત બે જ વ્યક્તિએ પૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો છે - વસંતરાવ નાઈક અને હું. તેથી, ફરીથી મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા નથી. જે પણ ભૂમિકા માટે મહાયુતિ પસંદ કરશે તેને હું સમર્થન આપવા તૈયાર છું.

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસનું બુધવારનું નિવેદન અત્યંત રસપ્રદ હતું, ઓછામાં ઓછું કહેવા પૂરતું, ‘હું મુખ્ય પ્રધાન પદ માટે આતુર નથી’ એમ તેમણે જાહેર કર્યું હતું જોકે બીજી તરફ આના અત્યંત વિરોધાભાસમાં ભાજપના રાજ્ય કાર્યાલયની બહાર એક મોટા બેનર પર લખવામાં આવ્યું હતું કે, પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે.. 23 નવેમ્બરના રોજ, તે પાછા આવી રહ્યા છે. મહારાષ્ટ્ર માટે એક નવો અધ્યાય લખવા, આ બેનરને કારણે ફડણવીસના ઈરાદાઓ અંગે શંકા જાગે છે અને તેથી જ એકના એક પ્રશ્ન ફરી ફરી કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ પાસે એકપણ વાહન નથી, પણ છે આટલા બધા કરોડના માલિક

એક પ્રાદેશિક મીડિયા ઇવેન્ટમાં બોલતાં, ફડણવીસે જણાવ્યું હતું કે, ‘મેં પહેલાં જ પાંચ વર્ષ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં ફક્ત બે જ વ્યક્તિએ પૂર્ણ કાર્યકાળ ભોગવ્યો છે – વસંતરાવ નાઈક અને હું. તેથી, ફરીથી મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા નથી. જે પણ ભૂમિકા માટે મહાયુતિ પસંદ કરશે તેને હું સમર્થન આપવા તૈયાર છું.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા મેળવી શકે છે, ત્યારે ફડણવીસે કહ્યું હતું કે, ‘રાજકીય અટકળો સામાન્ય છે અને હંમેશા જવાબની જરૂર નથી. મારું સાચું સપનું તો વકીલ બનવાનું હતું, પરંતુ હું અહીં છું, લોકોનું પ્રતિનિધિત્વ કરું છું. છેલ્લાં 25 વર્ષથી.’

ઉદ્ધવ કે શરદ પવારની જરૂર નથી-

મહા વિકાસ આઘાડી (એમવીએ) પર કટાક્ષ કરતા ફડણવીસે તેના નેતાઓ પર ભાજપ-મહાયુતિ ગઠબંધનને નબળું પાડવા માટે તેમને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ‘એમવીએ’ના વ્યૂહરચનાકારો માને છે કે વ્યક્તિગત હુમલાઓ મારી છબીને નુકસાન પહોંચાડશે અને અમારી પાર્ટીને અસ્થિર કરશે.’ એવો દાવો તેમણે કર્યો હતો. ચૂંટણી પછીના જોડાણની સંભાવનાને સંબોધતા, ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે, ફડણવીસ મક્કમ હતા: “અમને કોઈની જરૂર નથી, 23મી સુધી રાહ જુઓ અને તમે જોશો કે અમે પરિણામો પછી જ મુખ્ય પ્રધાનની ફોર્મ્યુલા નક્કી કરીશું.

એકનાથ શિંદે અને અજિત પવાર સત્તા માટે આવશ્યક-

નોંધનીય રીતે, ફડણવીસની ટીપ્પણીઓ તેમના નિખાલસ કબૂલાતને અનુસરે છે કે ભાજપ એકલા જીત મેળવી શકશે નહીં પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન સાથે, તેમણે મહાયુતિ સરકાર બનાવવાની યોજનાની પુષ્ટિ કરી હતી. પાર્ટીના એક આંતરિક સૂત્રે એવો સંકેત આપ્યો કે આ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તાજેતરની ટિપ્પણીઓ સાથે સંબંધિત હોઈ શકે છે, જેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ 2029 સુધીમાં મહારાષ્ટ્રમાં એકલે હાથે સરકાર બનાવશે.

કૉંગ્રેસ-એનસીપીની સરકારમાં સિંચાઈ કૌભાંડની તપાસ શરૂ-

વિવાદાસ્પદ સિંચાઈ કૌભાંડ અંગેના પ્રશ્નોના જવાબમાં, ફડણવીસે ઉપસ્થિતોને યાદ અપાવ્યું કે કોંગ્રેસ-એનસીપી સરકાર હતી, જેનું નેતૃત્વ સ્વર્ગસ્થ આર.આર. પાટીલના નેતૃત્વમાં થયું હતું, જેણે તપાસ શરૂ કરી હતી. તેમની ટિપ્પણી ડેપ્યુટી સીએમ અજિત પવારના દાવાને અનુલક્ષીને હતી જેમણે કહ્યું હતું કે પાટીલે તેમની સામે ખુલ્લી તપાસના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી રાજકીય આક્ષેપોનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

અમિત ઠાકરેને સમર્થન, મૈત્રીપુર્ણ લડત-

ભાજપના નેતા આશિષ શેલારે અમિત ઠાકરેને સમર્થન આપ્યા પછી, શિવસેનાના સદા સરવણકરે પોતાનું નામાંકન દાખલ કરીને બળવો કર્યો હતો. ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘અમે અમિત ઠાકરેને સમર્થન આપીએ છીએ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઈચ્છા અનુસાર. સરવણકરના નોમિનેશનનો હેતુ મતોને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના જૂથ તરફ આકર્ષિત કરતા અટકાવવાનો છે. આ સમર્થન માહિમમાં મહાયુતિ અને મનસે વચ્ચે ‘મૈત્રીપૂર્ણ સ્પર્ધા’નો સંકેત આપે છે, જે અન્ય મુંબઈ મતવિસ્તારોને અસર કરી શકે છે.

આરક્ષણ આપવા છતાં કેમ હું જ લક્ષ્ય-

મરાઠા આરક્ષણ પર ટિપ્પણી કરતા, ફડણવીસે પ્રશ્ન કર્યો હતો કે, શા માટે શરદ પવાર, મુખ્ય પ્રધાન તરીકે ચાર ટર્મ હોવા છતાં, મરાઠા સમુદાય માટે અનામત કેમ સુરક્ષિત નથી કરી શક્યા. ‘મરાઠા આરક્ષણ આપનાર હું સૌપ્રથમ છું. તો મનોજ જરાંગે પાટીલ દરરોજ મારો ઉલ્લેખ કેમ કરે છે?’ એવો સવાલ તેમણે કર્યો હતો. મરાઠા આરક્ષણનો મુદ્દો, 1980નો છે, જે રાજ્યમાં રાજકીય તણાવને વેગ આપે છે.

રાજસ્થાનમાં રાહુલનું ’ગેરંટી કાર્ડ’ ફેલ; મહારાષ્ટ્રમાં કામ નહીં કરે: ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ‘ગેરંટી કાર્ડ’ સાથે બહાર આવવાની કોંગ્રેસની યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાર્ટીના ચૂંટણી વચનો ધરાવતું ‘ગેરંટી કાર્ડ’ બહાર પાડશે, એમ રાજ્ય કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે. ફડણવીસે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગેરંટી કાર્ડથી કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવામાં મદદ મળી નહોતી.’

‘તેમણે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શા માટે તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં વચન મુજબ ગેરંટી કાર્ડ લાગુ કરવામાં આવ્યું નથી? આ લાલચ અહીં પણ નિષ્ફળ જશે,’ એમ ભાજપના નેતાએ કહ્યું હતું.

બળવાખોરોને ચોથી પહેલાં મનાવી લેવાશે-

સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ’મહાયુતિ’ ગઠબંધનની વ્યૂહરચના પર બળવાખોરો કે જેમણે સત્તાવાર ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવી છે, તે અંગે, ફડણવીસે કહ્યું કે એનસીપીના વડા અજિત પવાર સહિતના ગઠબંધનના નેતાઓએ આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને બેઠક કરી હતી. ‘અમે તમામ મુદ્દાઓ ઉકેલી લીધા છે, અને તમે ચોથી નવેમ્બર સુધીમાં ઘણા બળવાખોરો તેમના નામાંકન પાછા ખેંચતા જોશો,’ એમ ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, તેઓ બળવાખોરો સાથે ચર્ચા કરશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ કરશે.

ચોથી નવેમ્બર ઉમેદાવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે જ્યારે ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે. મહાયુતિના ઉમેદવારાનો નામાંકનોની ચકાસણીનો તબક્કો પૂરો થઈ ગયો છે. અમે પાંચ નવેમ્બરથી જોરશોરથી અમારું પ્રચાર અભિયાન શરૂ કરીશું, એમ ફડણવીસે જણાવ્યું હતું. શહેરના ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે શેટ્ટી એક વફાદાર અને પ્રામાણિક પક્ષ કાર્યકર છે જે ક્યારેક ‘અડગ’ હોય છે. ‘અમે તેમને (ઉમેદવારી પાછી ખેંચવા માટે) સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,’ એમ તેમણે જણાવ્યું હતું.

નવાબ મલિક પ્રધાન બનશે?

જો મહાયુતિ સત્તા જાળવી રાખે તો આગામી સરકારમાં એનસીપીના વિવાદાસ્પદ નેતા નવાબ મલિકને સામેલ કરવા તૈયાર થશે કે કેમ તે અંગે ફડણવીસે કહ્યું, ‘અમારી પાર્ટી મલિક માટે પ્રચાર પણ કરવા જઈ રહી નથી, તેથી તેમને પ્રધાન તરીકે સામેલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અમારી પાર્ટી મલિક સામે ચૂંટણી લડી રહેલા શિવસેનાના ઉમેદવાર માટે પ્રચાર કરશે. મલિક મુંબઈના માનખુર્દ-શિવાજીનગરમાંથી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે જે બે સાથી પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈનો સાક્ષી બની શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button