વારાણસીમાં ભાઈચારાની જોવા મળી મિસાલઃ મુસ્લિમ મહિલાઓએ રામની ઉતારી આરતી…
વારાણસીઃ અયોધ્યામાં ગઈકાલે અને આજે દિવાળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી ત્યારે તાજેતરમાં વારાણસીમાં પણ હિંદુ-મુસ્લિમો વચ્ચેના ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દિવાળીના અવસરે વારાણસીના લમહી વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા ભગવાન શ્રી રામની, લક્ષ્મણ અને માતા જાનકીની ભવ્ય આરતી કરવામાં આવી હતી.
આ દરમિયાન તેના હાથમાં દીવાથી સજાવેલી થાળી જોવા મળી હતી. મહિલાઓએ ‘હે રાજા રામ તેરી આરતી ઉતારુ’ ભજન ગાયું હતું. વર્ષ ૨૦૦૬માં વારાણસીમાં સંકટ મોચન મંદિર બોમ્બની ઘટના બાદ આ પરંપરા શરૂ થઈ છે.
રામનવમી અને દિવાળી પર મુસ્લિમ મહિલાઓ દ્વારા વિધિ પ્રમાણે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં લોકોને શાંતિ, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપવાનો છે, એમ ધર્માચાર્યએ જણાવ્યું હતું.
વાતચીત દરમિયાન સ્થળ પર હાજર મહિલાઓએ કહ્યું કે ભગવાન શ્રી રામ આપણા બધા માટે આદર્શ છે. તેમનું જીવન ગૌરવથી ભરેલું રહ્યું છે. તેથી, આપણે ખરાબ કર્મો છોડીને પણ ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. હાલ વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે, જ્યાં એકબીજા સામે લડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો ઉદ્દેશ પણ પૂરો થશે.
આરતીમાં હાજર ધર્માચાર્યએ કહ્યું કે આ વખતની દિવાળી તમામ સનાતનીઓ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે સેંકડો વર્ષોની પ્રતીક્ષા પછી ભગવાન રામ તેમના મૂળ સ્થાને બિરાજમાન છે. આજે માત્ર અયોધ્યાના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના લોકો માટે આ દિવાળી પર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અનેઉમંગ હોવો જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.