ગુજરાતમાં છ પોલીસ અધિકારીને મળ્યો ગૃહ મંત્રી મેડલ, સાળી-બનેવીને મળશે સન્માન
ગાંધીનગર: પોલીસ સર્વિસમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશનના 463 કર્મચારીઓને ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ (Kendriya Grihmantri Dakshata Padak) એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના છ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
Also Read – હવે દારૂ સંતાડવો બનશે અઘરોઃ કામે લાગી ગયો છે આલ્કોહૉલ ડિટેક્શન ડોગ
આ અધિકારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ અને તપાસ બદલ ગૃહમંત્રી મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના IPS નિર્લિપ્ત રાય અને ડૉ. લવિના સિન્હાના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરને પણ આ સન્માન આપવામાં આવશે. જેમાં હરપાલસિંહ રાઠોડ, અમરસિંહ ચૌહાણ, મયુરકુમાર પટેલના નામનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી મેડલ મેળવનારાઓમાં ડીએસપી વિરજીતસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે.
નિર્લિપ્ત રાય અને લવિના સિન્હાને એકસાથે આ મેડલ મળવો તે માત્ર સંયોગ છે. બંને આઈપીએસ છે અને સંબંધમાં ડૉ.લવિના નિર્લિપ્ત રાયના સાળી થાય.
કોણ છે નિર્લિપ્ત રાય?
નિર્લિપ્ત રાય, મૂળ ઉત્તર પ્રદેશના છે, હાલ તેઓ ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલ (SMC)માં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) છે. નિર્લિપ્ત રાયે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં SPની જવાબદારી નિભાવી છે. જેમાં અમરેલી, સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાય છેલ્લા કેટલાક સમયથી આઈબીમાં છે.
28 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તાજેતરમાં જ તેમને પ્રમોશન પણ મળ્યું હતું. 2010 બેચના અધિકારી નિર્લિપ્ત રાયની કાર્યશૈલીથી વિપક્ષી નેતાઓ પણ પ્રભાવિત છે. તાજેતરમાં ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સામે મોરચો માંડનાર કોંગ્રેસના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ નિર્લિપ્ત રાયના વખાણ કર્યા હતાં.
કોણ છે ડૉ. લવિના સિન્હા?
નિર્લિપ્ત રાયની જેમ ડૉ. લવિના સિન્હા કાર્યક્ષમ અધીઅકારી છે. તેઓ 2017 બેચના IPS ઓફિસર છે. લવિના હાલ અમદાવાદ પોલીસમાં DCP ક્રાઈમ તરીકે કાર્યરત છે. તાજેતરમાં લવિના સિન્હા ડિજિટલ અરેસ્ટ સહિત અન્ય કેસોની તપાસ માટે ચર્ચામાં હતાં. ડો.લવિના સિંહાના લગ્ન વિદેહ ખરે સાથે થયા છે. તેઓ હાલ અમદાવાદના ડીડીઓ છે.
આ મેડલ પર સરદાર પટેલની તસવીર હશે જેના ઉપરના ભાગમાં ‘રાષ્ટ્ર પ્રહરી’ અને નીચે ‘જય ભારત’ લખેલું હશે. આ એવોર્ડ વર્ષમાં માત્ર એક જ વાર આપવામાં આવે છે.