દિવાળીના દિવસે જ માઠા સમાચારઃ મધ્ય પ્રદેશના બાંધવગઢમાં આઠ હાથીના મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કથી એક એવા સમાચાર આવ્યા છે, જે તહેવારના દિવસોમાં આપણને અકળાવી દેનારા છે. અહીં 48 દિવસમાં આઠ હાથીના મોત થયા છે. આ વિસ્તારમાં 13 હાથી ફરે છે, જેમાંથી ચાર હાથી મંગળવારે અને ચાર હાથી બુધવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. વધારે દુઃખની વાત તો એ છે કે આ મૃતકોમાં સાત માદા હાથી એટલે કે હાથણીનો સમાવેશ થાય છે. મોટા ભાગના પ્રાણીઓ ત્રણથી ચાર વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે અન્ય 9 હાથીને પણ અસર થઈ હતી, જેમાંથી 3 સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સીમા પર દિવાળીઃ ભારત અને ચીનની સેનાએ એકબીજાને શુભેચ્છા આપી, મીઠાઈ વહેંચી
કેન્દ્ર અને સ્થાનિક ટીમ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે. બીજી શક્યતાઓ વચ્ચે આ હાથીઓએ કોડો મિલેટ સીડ્સ ખાઈ લીધા હોય અને તેના પર ફંગસ હોવાથી તેમને ઝેરી અસર થઈ હોય તેવી શક્યતા દર્શાવવામાં આવે છે. આ માટે આસપાસના તમામ ખેતરોમાં સઘન તપાસ ચાલી રહી છે. આ સાથે પાંચ જણની પૂછપરછ પણ કરવામાં આવી છે. જોકે ગામના લોકો, અન્ય હાથીઓનું ટોળું અને ત્રણ વાઘની આ વિસ્તારમાં હાજરી તપાસમાં અવરોધ કરી રહી હોવાનું અહેવાલમાં જાણવા મળ્યું હતું.
આ પાર્ક 5 કિલોમીટરમાં ફેલાયેલો છે અને 100 જેટલા અધિકારીઓ તેની દેખભાળ માટે છે. જોકે અગાઉ 2021માં પણ આ પાર્ક વાઘના મૃત્યુને લીધે ચર્ચામાં આવ્યો હતો