પરાળી બાળતા ખેડૂતોને રોકવા ગયા અધિકારીઓ, રોષે ભરાઇને ખેડૂતોએ અધિકારીઓને જ બંધક બનાવી દીધા
હરિયાણા: દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ ખેડૂતોએ પરાળી બાળવાનું પણ શરૂ કરી દીધું છે, રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને પગલે સંજોગો હજુ પણ બગડે તેવી શક્યતાઓ છે. હરિયાણાના અંબાલા જિલ્લામાં ખેડૂતોના એક જૂથ દ્વારા કેટલાક સરકારી અધિકારીઓને બંધક બનાવવાની ઘટના બની હતી. આ અધિકારીઓ પરાળી બાળવાની પ્રક્રિયાની તપાસ માટે ગામમાં ગયા હતા.
અંબાલાના કોટ કછુઆ ગામમાં સ્થાનિક તંત્ર અને કૃષિ વિભાગના કેટલાક અધિકારીઓએ સેટેલાઇટ દ્વારા મળેલી અમુક તસવીરોની તપાસ માટે ગામમાં ગયા હતા. હરિયાણાના હિસ્સારમાં આવેલા અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર HARSAC દ્વારા પરાળી બાળવાની ઘટનાઓ પર સેટેલાઇટ વડે નજર રાખવામાં આવે છે.
અધિકારીઓની ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે ખેડૂતો ભડક્યા હતા અને સરકારી વાહનને ઘેરી લઇ અધિકારીઓને બંધક બનાવી દીધા. ખેડૂતોએ અધિકારીઓ પાસે માગ કરી હતી કે સરકારે કૃષિપેદાશો માટે એમએસપીમાં વધારો કરવો જોઇએ. તેમજ પરાળી માટેના મશીનની સહાય આપવી જોઇએ. છેવટે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળ પર દોડી જઇ બંધક બનાવાયેલા અધિકારીઓને છોડાવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો.
પંજાબ અને હરિયાણાની સરકાર વાયુ પ્રદૂષણને કારણે પરાળી બાળવા પર પ્રતિબંધ લગાવી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ પરાળી બાળતા ખેડૂતો સામે પગલા લેવાનો આદેશ આપ્યો છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે પરાળી બાળવાથી તેમને ફાયદો થાય છે અને પાક ઉત્પાદન વધે છે. કેટલાક ખેડૂતોએ ઉગ્રવાદી વલણ દાખવતા ચેતવણી પણ આપી છે કે જો કોઇપણ ખેડૂતને પરાળી બાળવા બદલ દંડ ફટકારવામાં આવ્યો તો અધિકારીઓને બંધક બનાવી દેવામાં આવશે. હરિયાણાના કેટલાક ખેડૂતોએ હાલમાં જ પોતાની માગણીઓને લઇને અંબાલા લઘુ સચિવાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.