રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર પહોંચી ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી: આજે 31મી ઓક્ટોબર ભારતના પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ (Death anniversary of Indira Gandhi) છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આજે વહેલી સવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શક્તિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીએ લખ્યું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમના દાદી ઇન્દિરા ગાંધીનું બલિદાન હંમેશા પ્રેરણા આપશે. તેમણે X પર ઈન્દિરા ગાંધીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, “પંડિતજીની ઈન્દુ, બાપુની પ્રિય, નીડર, બહાદુર, ન્યાયપ્રેમી – ભારતની ઈન્દિરા!”
કોંગ્રેસના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, “ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી શકતી, સમર્પણ, હિંમત અને શક્તિશાળી નેતૃત્વનું ઉદાહરણ છે. દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ આપનાર ઈન્દિરા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે X પર લખ્યું કે “ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન અને આપણા આદર્શ, ઇન્દિરા ગાંધીજીને તેમના બલિદાન દિવસ પર નમ્ર શ્રદ્ધાંજલિ, તેમણે ભારતની એકતા અને અખંડિતતા જાળવવામાં અને પ્રગતિશીલ ભારતના નિર્માણ માટે તેમની મજબૂત ઇચ્છાશક્તિ, કાર્યક્ષમ નેતૃત્વ અને દૂરદર્શિતા સાથે મજબૂત અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને કમલા નેહરુના ઘરે 19 નવેમ્બર, 1917ના રોજ ઈન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી અને ફરીથી જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોબર 1984 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
Also Read – સરદાર પટેલની 150મી જન્મ જયંતિ: કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ
31 ઓક્ટોબર, 1984ના રોજ અકબર રોડ ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને તેમના બે અંગરક્ષકોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી, જે બાદ દેશના ઘણા ભાગોમાં શીખ વિરોધી રમખાણો થયા હતા.