ટ્રાફિક નિયમો તોડશો તો મેમો નહીં ફુલ મળશે, ગુજરાત પોલીસની ગાંધીગીરી

ગાંધીનગર: દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ગુજરાત પોલીસ મેમો નહીં આપે, તેના બદલે વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજાવવામાં આવશે. જેમાં 6ઠ્ઠી નવેમ્બર સુધી પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના આપી છે.
રાજયના વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે પુરતી જાગૃતિ ન હોવાને કારણે પોલીસ દ્વારા તહેવારોમાં, આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટ નહી પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનાર, ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને લેન ભંગના ગુનામાં મેમો નહી અપાય.
Also Read – સરદાર પટેલની 150મી જન્મ જયંતિ: કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ
રાજ્યના ગૃહવિભાગ અને ગુજરાત પોલીસે રાજ્યભરમાં ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે દિવાળીને તહેવારમાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં પોલીસે 6ઠ્ઠી નવેમ્બર સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને મેમો નહી પણ ગુલાબનું ફુલ તેમજ જાગૃતિ માટેની પત્રિકા આપશે. સાથેસાથે તેમને ટ્રાફિકના નિયમોના ભંગથી થતા કાયદાકીય અને પારિવારીક નુકશાન અંગે પણ સમજાવવામાં આવશે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિકના નિયમી અંગે લોકોમાં ધાર્યા મુજબની સમજણ નથી અને અનેક લોકો જાણી જોઇને નિયમોનો ભંગ કરે છે. જેના કારણે અનેક કિસ્સામાં પરિવારજનોને પણ ભોગવવાનું આવે છે. જેથી લોકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે.