કોઈનો સમય એક સરખો રહેતો નથી…
નીલા સંઘવી
એક વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કર્યો ને થોડા આગળ વધ્યા ત્યાં મંદિર હતું. એ મંદિરના ઓટલે એક માજીને બેઠેલાં જોયાં. એકદમ જાજરમાન વ્યક્તિત્ત્વ ચહેરા પર ઝળકતુ તેજ. સરસ મજાનો કડક સાડલો પહેરેલો. મનમાં વિચાર્યું : ‘આ માજી અહીં નહીં રહેતા હોય…’ છતાં ખાતરી કરવા અમે વાત શરૂ કરી, ‘જયશ્રી કૃષ્ણ બા.’
‘જયશ્રી કૃષ્ણ…’ માજીએ પ્રત્યુત્તર આપ્યો.
‘આ વૃદ્ધાશ્રમમાં રહો છો?’ અમે પૂછયું.
‘જી, બેન’ માજીએ કહ્યું. એમની ભાષા પણ સુસંસ્કૃત હતી.
‘આપના સંતાનો?’
‘જી, એક પુત્ર છે અમેરિકા રહે છે.’
‘આપનું અહીં રહેવાનું કારણ? વિગતે વાત કરશો?’
‘જી, જરૂર’ કહીને એમણે વાત શરૂ કરી:
‘મારું નામ પુષ્પા અમે મદ્રાસ રહેતા હતા. અમારો પરિવાર શ્રીમંત હતો. રાજઘરાના જેવી રહેણી-કરણી હતી અમારી. રોજના દસ-વીસ મહેમાન તો અમારે ત્યાં હોય જ.. પાંચ ગાડી હતી- એ પણ મર્સિડિઝ જેવી. મહેલ જેવડું ઘર.. નોકર-ચાકરની ફોજ.. હું તો રાજરાણીની જેમ રહેતી. રૂપાળી પણ ખરી એમાં કિંમતી વસ્ત્રો અને કિંમતી અભૂષણોને કારણે વ્યક્તિત્ત્વ પણ નીખરી ઊઠતું હતું. એક જ પુત્ર.. સરસ જીવન હતું. પતિનો સ્વભાવ થોડો કડક ખરો, પણ પ્રેમાળ બહુ. એક વસ્તુ માગી હોય તો દસ લઈ આવે. ઉદાર સ્વભાવના. દરવાજે કોઈ મદદની અપેક્ષાએ આવ્યું હોય તો ખાલી હાથે પાછું ન જાય.
Also read: મેલ મેટર્સ : આતશબાજીના ઝગમગાટમાં કોડિયાની કદર કરવી ન ભૂલતા…
વળી એક હાથે આપ્યું હોય તો બીજો હાથ પણ જાણે નહીં એવો એમનો સ્વભાવ. ઘણીવાર તો મને પણ ખબર ન હોય કે કોને શું આપ્યું. આવા દિલદાર હતાં મારાં પતિ… ખૂબ સુખેથી જીવન પસાર થઈ રહ્યું હતું. દીકરો ભણતો હતો. ખૂબ બુદ્ધિશાળી અને હોશિયાર અમારો દીકરો. કોઈને પણ ઈર્ષ્યા આવે એવો પરિવાર અને એવું જીવન, પણ એકધારું સુખ કોઈને મળ્યું છે? એકસરખુ જીવન કોઈનું જાય છે? બસ, અમારે પણ એવું જ થયું. મારા પતિને બ્લડ કેન્સર થયું. કેટલીયે દવા, ડૉક્ટર, સર્જરી ઘણાં ઉપચાર કર્યા. બીમારીને કારણે એ ઘરમાં બેસી ગયા. દીકરાએ ભણી લીધું હતું. પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યો. એ હોશિયાર ખરો, પણ પુસ્તકિયું જ્ઞાન, બિઝનેસમાં એની ચાંચ ડૂબી નહીં. વ્યવસાયની એની અણ આવડતને કારણે કંપનીના કર્મચારીઓએ ચોરીચપાટી કરવા માંડી અને ધમધોકાર ચાલતો વ્યવસાય સાવ ખાડે ગયો…. મારા પતિનું મૃત્યુ થયું ત્યારે અમારી પાસે રહેવાનું ઘર જ બચ્યું હતું અને ઘણું દેવું ભરવાનું બાકી હતું.
Also read: ઉત્તરાવસ્થાને ય ઉત્તમાવસ્થા બનાવી શકાય…
ઘરમાં રહ્યા મા-દીકરો બે જ. ઘર ખાવા ધાતું હતું. લેણદારો ઉઘરાણી કરવા આંટાફેરા કરવા લાગ્યા. કેટલાંક લોકો પાસેથી પૈસા લેવાના પણ નીકળતા હતા, પણ કોઈ જવાબ આપતું ન હતું. ટૂંકમાં જેમની પાસેથી લેવાના હતા એ બધા ગાયબ થઈ ગયા અને જેમને આપવાના હતા એ બધા રોજ અમારે ઘેર આંટાફેરા કરવા માંડ્યાં. જેમને ખરાબ સમયમાં મદદ કરી હતી એ પણ અમારાથી દૂર ભાગવા માંડ્યા, ક્યાંક અમે પૈસા માગીએ તો? બધાં સગાંસંબંધી અમારાથી દૂર થઈ ગયા. પૈસા શું ગયા, બધાં સંબંધ જ તોડતા ગયા. દીકરાનું મગજ બહેર મારી ગયું હું પણ સાવ અન્યમનસ્ક થઈ ગઈ. શું કરવું કાંઈ જ સૂઝતું ન હતું…. રડી રડીને મારી હાલત બૂરી હતી. દીકરો તો ચૂપચાપ બેઠો રહેતો હતો. શું કરવું કાંઈ સમજાતું ન હતું. એક નોકરને રાખીને બીજા બધાંને રજા આપી દીધી. હાલત બહુ જ ખરાબ હતી. સલાહ પણ કોની લેવી? મારે પોતે જ જે નિર્ણય લેવો હોય તે લેવાનો હતો. દીકરા સાથે પણ ચર્ચા કરવી નકામી હતી એવું મને લાગતું હતું, છતાં મેં એને એક દિવસ પૂછયું, શું કરીશું બેટા, હવે આપણે?’
‘મા, એ જ વિચાર કરી રહ્યો છું. તને ખરાબ ન લાગે તો એક વાત કરું?’
‘બોલને બેટા, આટલાં બધાં આઘાત પચાવી લીધાં છે, હવે તારી વાત સાંભળીને શું ખરાબ લાગશે?’
‘મને લાગે છે કે મારાં એજ્યુકેશનને કારણે કદાચ યુએસમાં મને જોબ મળી જશે, હું અપ્લાય કરું?’
‘કર બેટા, ચોક્કસ કર. તને કામ મળી જતું હોય તો મારાથી વધારે ખુશી કોઈને નહીં થાય….’
અને મારા દીકરાએ અમેરિકાની કંપનીમાં અપ્લાય કર્યું. એને જોબ મળી ગયો. એટલે દીકરાએ મને કહ્યું: ‘મા, હવે આપણે આપણું ઘર વેચીને દેવું ભરી દઈએ અને આપણે બંને અમેરિકા ચાલ્યા જઈએ.’ મારે અમેરિકા જવું ન હતું. એટલે મેં કહ્યું: ‘મારે અમેરિકા નથી આવવું. મને ત્યાં નહીં ગમે. હા, પણ ઘર વેચીને દેવું ભર્યા પછી પણ ઠીકઠાક પૈસા બચશે. તેથી હું કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહીશ. ત્યાં મને સમવચસ્કોની કંપની પણ મળશે અને પ્રભુભજન કરીશ…. દીકરાને આ ન ગમ્યું. એને મને સાથે લઈ જવી હતી, પણ મેં એને સમજાવ્યો. આમ હું અહીં આવી.
Also read: કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા
શાંતિથી જીવું છું. પ્રભુભક્તિ કરું છું. ગાવાનો મને શોખ છે તેથી મંદિરમાં ભેગા મળીએ ત્યારે ભજન ગાઉં છું. ગાર્ડનમાં ભેગાં મળીએ ત્યારે ફિલ્મી ગીતો પણ ગાઉં. બે વાર દીકરા પાસે જઈ આવી. એણે અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધાં છે. સુખી છે. અહીં મને ગમે છે. અહીં કોઈ કોઈની પંચાત કરતું નથી. સૌની પાસે પોતાપોતાની કહાની છે ક્યારેક કોઈને મન થાય તો જેમની સાથે દિલ મળી ગયું હોય એમની પાસે પોતાની કથા કહીને વ્યથા ઠાલવે છે…..’ પુષ્પાબહેને વાત પૂરી કરી. અમે એમને ‘આવજો’ કહીને ત્યાંથી નીકળી ગયા… જિંદગીમાં ક્યારે શું થઈ જાય તેની ખબર પડતી નથી… છતાં અહીં દરેકની અલગ કહાની છે. અલગ વેદના છે -આપીકી સંવેદના છે.