લાડકીસ્પેશિયલ ફિચર્સ

પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલા 

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

કલ્પના કરવાથી કલ્પના સાકાર થાય છે! પૂર્વાપર ભૂમિકા આપીને આ વાક્ય સમજાવવાનું હોય તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલ્પના ચાવલા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે! કલ્પના ચાવલાએ  કલ્પનાની પાંખે સવાર થઈને ધરતીથી આકાશ અને આકાશથી અંતરિક્ષમાં ઊડવાની કલ્પના કરી અને એ કલ્પના સાકાર પણ કરી….પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી બનીને ભારતનું ગૌરવ વધાર્યું. કલ્પના વર્ષ ૨૦૦૩માં અંતરિક્ષમાં પરિભ્રમણ કરીને પાછી ફરી રહેલી ત્યારે અવકાશયાન ખોટકાતાં છ અવકાશયાત્રીઓ સાથે અંતરિક્ષમાં જ વિલીન થઈ ગયેલી. કલ્પનાની જીવનકથા ‘ધ એજ ઓફ ટાઈમ’ લખનાર એના પતિ જીન પિયેર હેરિસને નોંધ્યું છે કે કલ્પનાએ  વારંવાર કહેલું કે, તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો. સંકલ્પથી સિદ્ધિ સાકાર થાય છે !

Also read: મેલ મેટર્સ : બિઝી રહેવું ને સ્ટ્રેસ્ડ રહેવું એ બંનેમાં ફરક છે.. જરા સમજોને, યાર

કલ્પનાનો જન્મ હરિયાણાના કરનાલ ખાતે ૧૭ માર્ચ ૧૯૬૨ના થયેલો. માતા સંજ્યોતિ દેવી. પિતા બનારસીલાલ ચાવલા. તેમના ચાર સંતાનોમાં કલ્પના સૌથી નાની. પ્રારંભિક ભણતર ટાગોર બાલ નિકેતનમાં થયેલું. કલ્પના બાળપણથી જ કલ્પનાની પાંખે સવાર થઈને અંતરિક્ષમાં ઘૂમવાની કલ્પના કરતી. તેને અંતરિક્ષ, ગ્રહ, નક્ષત્ર અને તારા જેવા ખગોળના વિષયો ઉપરાંત પક્ષીઓ કેવી રીતે ઊડે છે તે જાણવાની ઉત્સુકતા રહેતી. એરોપ્લેનને નિહાળીને અચંબો અનુભવતી. તે વિમાનમાં બેસવાની નહીં પણ તેને સમજવાની અને તેને ચલાવવાની કલ્પના કરતી. વર્ષ ૧૯૮૨માં કલ્પનાએ  ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરોનૉટિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ બી.એસસી.ની ઉપાધિ મેળવી. કલ્પના જ્યારે એન્જિનિયરિંગ કૉલેજના અંતિમ વર્ષમાં હતી, ત્યારે તેણે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તૈયારી શરૂ કરી. સ્નાતક થયા પછી જ તેને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ, બેંગ્લોર તરફથી નોકરીની ઓફર મળી. પરંતુ તેણે પંજાબ એન્જિનિયરિંગ  કૉલેજમાં અધ્યાપનની નોકરી પસંદ કરી. 

ત્યારબાદ કલ્પના  ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગઈ. ત્યાં ૧૯૮૪માં અર્લિન્ગટન ખાતે આવેલી યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાંથી ઍરોસ્પેસ ઇજનેરીમાં તેણે માસ્ટર ઑફ સાયન્સ-એમ.એસની ઉપાધિ મેળવી. ૧૯૮૬ અને ૧૯૮૮માં યુનિવર્સિટી ઑફ  કોલોરાડો-બોલ્ડરમાંથી બીજી વખત ઍરોસ્પેસ ઇજનેરીમાં અનુક્રમે એમ.એસ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી. ત્યારબાદ નાસામાં સંશોધનકાર્ય શરૂ કર્યું. કલ્પના  ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતી હતી. આથી  એક અથવા વધુ એન્જિન ધરાવતાં ઍરોપ્લેનો, સમુદ્રપ્લેનો અને ગ્લાઇડર ઉડાડવાનો પરવાનો પણ એની પાસે હતો.

Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ટીનએજ: સંજોગો સામે ઝૂકવું કે ઝઝૂમવું?

દરમિયાન, કલ્પનાએ પોતાનો જીવનસાથી પસંદ કર્યો. જ્યારે તે વધુ અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ પહોંચી, ત્યારે કલ્પના ત્યાં ફ્રેન્ચ-અમેરિકન નાગરિક જીન-પિયેર હેરિસનને મળી. ઉડ્ડયન-ઉસ્તાદ અને ઉડ્ડયન-લેખક હેરિસન, જેપી તરીકે વધુ જાણીતા.  સ્થાનિક ફ્લાઈંગ ક્લબમાં ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર હતા. બંને મિત્રો બની ગયા. મિત્રતા પ્રેમમાં પલટાઈ. કલ્પના અને જેપીના ૨ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ સાદા સમારંભમાં લગ્ન થયાં. બાદમાં ૧૯૯૯માં કલ્પના પણ અમેરિકાની નાગરિક બની. જીન પિયેરે કલ્પનાની પાંખો વધુ પસરે એ માટે પ્રયાસો કર્યા. 

આ અરસામાં ૧૯૯૫માં કલ્પના નાસાના અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાઈ. બે વર્ષની મહેનત પછી કલ્પનાને પ્રથમ અવકાશ યાત્રા માટે પસંદ કરવામાં આવી. તેણે ૧૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ સ્પેસ-શટલ કોલંબિયા ફ્લાઇટ એસટીએસ-૮૭ પર છ સંચાલક સભ્ય સાથે પ્રથમ ઉડાન ભરી. આ સાથે કલ્પના ચાવલા અવકાશમાં ઉડાન ભરનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ. ભારતીય વ્યક્તિ તરીકે તે બીજી હતી, કારણ કે રાકેશ શર્મા ૧૯૮૪માં સોવિયેટ સ્પેસ ક્રાફ્ટમાં ઉડ્ડયન કરનાર પ્રથમ ભારતીય હતા. પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી તરીકે  કલ્પનાએ પોતાના પહેલા અવકાશ  મિશનમાં ૧.૦૪ કરોડ કિલોમીટરનો એટલે કે ૬૫ લાખ માઈલનો  પ્રવાસ કરીને ૩૬૫ કલાકમાં ૨૫૨ વખત પૃથ્વીનું પરિભ્રમણ કર્યું.

Also read: ભારતની વીરાંગનાઓ ઃ ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ

વર્ષ ૨૦૦૦માં કલ્પનાની ફરીથી એસટીએસ-૧૦૭ના સંચાલનમાં પસંદગી થઈ. વર્ષ ૨૦૦૩ના આરંભે આરંભાયેલા કોલંબિયા મિશનમાં કલ્પનાને સૂક્ષ્મગુરુત્વ-માઈક્રોગ્રેવિટીના પ્રયોગોની જવાબદારી સોંપાઈ.  આ દરમિયાન એંસી પ્રયોગો કરવામાં આવ્યા, જેમાં પૃથ્વી અને અવકાશવિજ્ઞાન,  ટૅક્નોલૉજી-વિકાસ તથા અવકાશયાત્રીના સ્વાસ્થ્ય અને સલામતીને લગતા પ્રયોગોનો સમાવેશ કરાયો.

કલ્પના સહિતના અવકાશયાત્રીઓમાં સફળતાનો ધ્વજ લહેરાવીને પાછાં ફરવાનો ઉમંગ હતો, પણ નિયતિએ જુદું  નિર્માણ કરેલું. ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ના અંતરિક્ષ ભ્રમણ શરૂ કરીને ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ અવકાશયાન કોલંબિયા પરત આવી રહ્યું હતું ત્યારે, પૃથ્વીથી થોડીક ઊંચાઈએ, પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ  તે ધડાકા સાથે સળગી ઊઠ્યું. તેમાં કલ્પના સહિત તમામ અવકાશયાત્રીઓ અવકાશમાં ભળી ગયાં. કિનારે આવેલું વહાણ ડૂબી ગયું. એ પછી કલ્પનાને ‘કોંગ્રેશનલ સ્પેસ મેડલ ઑફ  ઑનર’, ‘નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ’, ‘નાસા ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મેડલ’ અને ‘ડિફેન્સ ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મેડલ’ના મરણોત્તર પુરસ્કાર અપાયા.

કલ્પના ચાવલાના અવસાન બાદ જે સ્મારકો થયાં તે આ મુજબ છે  : યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં આઈએસએ- ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઍસોસિયેશને કલ્પના ચાવલા મેમોરિયલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો. લઘુગ્રહ ૫૧૮૨૬ને કલ્પના ચાવલા નામ આપવામાં આવ્યું. ૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોસમવિજ્ઞાનને લગતી શ્રેણીના ઉપગ્રહો મેટસેટ શ્રેણીને કલ્પના શ્રેણી તરીકે જાહેર કરી. મેટસેટ-૧  એ કલ્પના-૧  તરીકે ઓળખાયો અને તે જ રીતે મેટસેટ-૨ એ કલ્પના-૨. નાસાએ કલ્પનાને સુપર કમ્પ્યૂટર સમર્પિત કર્યું. હરિયાણા સરકારે જ્યોતિસર, કુરૂક્ષેત્રમાં કલ્પના ચાવલા પ્લેનેટેરિયમ શરૂ કર્યું.

Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આ ‘કેટફાઈટ’ એટલે વળી શું?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી,ખડગપુરે કલ્પના ચાવલા સ્પેસ-ટૅક્નોલૉજી સેલ શરૂ કર્યો. ઉપરાંત બીજાં ડઝનેક સ્મારકો કલ્પનાની યાદગીરીમાં દેશ-વિદેશમાં ઊભાં કરવામાં આવ્યાં છે. આ સંભારણાં કલ્પના ચાવલાના શબ્દોનું સ્મરણ કરાવે છે : હું અંતરિક્ષ માટે જ બની છું. પ્રત્યેક પળ અંતરિક્ષ માટે જ વિતાવી છે અને અંતરિક્ષ માટે જ મરીશ…. યોગાનુયોગ તો જુઓ. અંતરિક્ષની દીકરી કલ્પના અંતરિક્ષમાં જીવી અને અંતે અંતરિક્ષની ગોદમાં જ સમાઈ ગઈ… !                                                                          

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker