સોનામાં ડ્યૂટી કપાત, ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાની માગ ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટન: ડબ્લ્યુજીસી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪માં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં સરકારે સોનાની આયાત જકાતમાં ઘટાડો કર્યો હોવાથી આભૂષણોની માગમાં વધારો થતાં સોનાની માગ ગત સાલના સમાનગાળાના ૨૧૦.૨ ટન સામે ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટનની સપાટીએ રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલા ક્યુ૩ ૨૦૨૪ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટમાં જણઆવ્યું છે.
જોકે, સોનાના ભાવ ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી રોકાણકારો કરેક્શનની રાહ જોઈ રહ્યા હોવાથી વર્તમાન વર્ષ ૨૦૨૪માં સોનાની માગ ગત સાલના ૭૬૧ ટન સામે સાધારણ ઘટાડા સાથે ૭૦૦થી ૭૫૦ ટન આસપાસ રહે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
નોંધનીય બાબત એ છે કે ગત મંગળવારે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ધનતેરસની જ્વેલરો અને રિટેલ સ્તરની માગ પ્રબળ રહેતાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૦ વધીને રૂ. ૮૧,૪૦૦ની વિક્રમ સપાટીએ રહ્યા હતા. કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના ત્રિમાસિકગાળામાં જ્વેલરીની કુલ માગ ગત સાલના સમાનગાળાના ૧૫૫.૭ ટન સામે ૧૦ ટકા વધીને ૧૭૧.૬ ટનની સપાટીએ રહી હતી. સરકારે ગત જુલાઈ મહિનામાં સોનીની આયાત જકાતમાં તીવ્ર ઘટાડો કર્યો હોવાથી જ્વેલરીની માગમાં સંચાર થવાથી સમીક્ષા હેઠળના ત્રિમાસિકગાળામાં દેશમાં સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૨૧૦.૨ ટન સામે ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટનની સપાટીએ રહી હતી.
તેમ જ આ ત્રિમાસિકગાળામાં માગમાં વર્ષ ૨૦૧૫ પછીની સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૫નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં માગ ૧૦ ટકા વધીને ૧૭૧.૬ ટનના સ્તરે રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સચીન જૈને જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે આ સમયગાળામાં જુલાઈના અંતમાં માગ ખૂલી હતી જે સપ્ટેમ્બરના મધ્ય સુધી જળવાઈ રહી હતી.
સોનાની માગમાં વધારા માટે આયાત જકાતમાં ઘટાડા ઉપરાંત અન્ય પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે જેમાં ખાસ કરીને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ખરીદી અને સારા ચોમાસાને કારણે ગ્રામીણ વિસ્તારોની માગમાં પણ વધારો થયો હોવાનું જૈને જણાવતાં ઉમેર્યું હતું કે ચોથા ત્રિમાસિકગાળામાં પણ ધનતેરસ અને દિવાળીના તહેવારો અને ત્યાર બાદ લગ્નસરાની માગને ટેકે માગમાં વૃદ્ધિ જળવાઈ રહેશે. જોકે, ઊંચા ભાવને કારણે ડ્યૂટીમાં કપાતની અસર ઓસરી જવાથી રોકાણકારો ભાવમાં કરેક્શનની રાહ જોઈ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં કાઉન્સિલના જણાવ્યાનુસાર આ સમયગાળામાં દેશમાં રોકાણલક્ષી માગ ગત સાલના સમાનગાળાના ૫૪.૫ ટન સામે ૪૧ ટકા વધીને ૭૬.૭ ટનની સપાટીએ રહી હતી, જ્યારે રિસાઈકલ જ્વેલરીની માગ ગત સાલના સમાનગાળાના ૧૯.૨ ટન સામે ૨૨ ટકા વધીને ૨૩.૪ ટનના સ્તરે રહી હતી.