ઉત્સવ

ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!

જિંદગી ભર્તુહરિના શૃંગાર અને વૈરાગ્ય શતકના પાટા વચ્ચે ભાગે છે. બંને વિકલ્પ અંતિમ તબક્કા જેવા હોવા છતાં જિંદગીના અનેક તબક્કે શૃંગાર અને વૈરાગ્ય સાથે રહે છે. ભર્તૃહરિ કહે છે કે આ સંસારમાં જોવા જેવો પ્રિયતમાનો ચહેરો, સુંઘવા જેવો પ્રિયતમાનો શ્ર્વાસ, સ્વાદ માટે પ્રિયતમાના હોઠ છે. એ પાછા ઉમેરે છે: છોડો આ બધું, પ્રિયતમા છે શું? માંસનો લોચો!

જિંદગી પણ ભર્તુહરિની વાતો જેવી છે. એક તરફ ગમતાનાં વખાણની સાથે ભીતર બંધ કરેલો વૈરાગ્ય ખોલી નાંખીએ છીએ. ભર્તૃહરિએ કહ્યું છે કે ‘નસીબની પાછળ ન ભાગો. નસીબ તો કરંડિયામાં પૂરાયેલા સાપ જેવું છે. કરંડિયામા કશું ભોજન હશે એવું સમજીને ઉંદર કરંડિયો કોતરે અને સાપને ભોજન સાથે મુક્તિ મળે એ નસીબ.’ નસીબ બહુ મોટી વસ્તુ નથી એ વાત આપણે ક્યારેય સમજતા નથી.

એક ફિલ્મની વાત કરવી છે : ‘ઇન ટુ ધ વાઇલ્ડ’. ભારતમાં આપણને સહુને ખબર છે કે ઇશ્ર્વર પાસે જવું હોય તો જૂનાગઢ કે હિમાલય થઈને કોઈ માર્ગ જાય છે. ભગવાન કે સત્ય જાણવાની ઇચ્છા હોય-થાય તો મોહમાયા છોડવાની યાત્રા કરવી પડે. જે લોકો નર્મદા પરિક્રમા કરે છે કે અંબાજી જવા નીકળે છે એ સહુને કોઇ માયામાંથી મુક્ત થવાની ઇચ્છા હોય છે. જીવનના સત્યની શોધની યાત્રા સરળ હોતી નથી.

‘તમાશા’ ફિલ્મ રિલીઝ સમયે ઇમ્તિયાઝ અલીને મળવાનો મોકો મળ્યો ત્યારે મેં એમને પૂછેલું કે, ‘તમારી દરેક ફિલ્મોમાં સતત યાત્રા જ શા માટે હોય છે?’ એમણે સરસ જવાબ આપ્યો હતો : ‘યાત્રા અને પ્રેમ એ ટ્રેક પરના બે પાટા છે. જો પ્રેમ પામવો હોય તો યાત્રા જરૂરી છે. યાત્રા કરશો તો આપોઆપ પ્રેમ કરતા રહેશો…!’

‘ઇન ટુ ધ વાઇલ્ડ’ પણ આવી જ યાત્રાની ક્લાસિક વાત કરે છે. એક યુનિવર્સિટી સ્કોલર યુવાન ડિગ્રી, બેલેન્સ, લડતાં માતાપિતા, પ્રેમાળ બહેનને છોડીને જિંદગીનાં સત્યની શોધ માટે અલાસ્કાની બર્ફીલી વાદીઓમાં જવા નીકળી પડે છે. યુવાન કોઈ લિફ્ટ માગીને તો ક્યારેક ચાલતો અલાસ્કા તરફ જાય છે. માર્ગમાં સારી નોકરી અને સારી છોકરી સાથે એક દાદા પણ મળી જાય છે, જે પોતાનો વારસો અને મિલકત આપી દેવા તૈયાર છે. બે વર્ષની મજલમાં ગેરકાયદે સરહદ પસાર કરવાથી માંડી અનેક યાતનાઓ પણ સહેવી પડે છે. છતાં યાત્રા ચાલુ રહે છે. એક આદત હતી એની, રોજની નોંધ લખવાની.

અમેરિકાના વર્જિનિયાના યુવાન ક્રિસ્ટોફર મૈકકૈંડલેસના જીવન પરથી બનેલી આ સત્યકથા માત્ર સામાન્ય યાત્રાની કથા નથી, આપણા જીવનના ખાલીપાને પ્રસ્તુત કરે છે. અંતે આપણો હીરો અલાસ્કા પહોંચે છે- શાંત વાતાવરણમાં એક નાની નદી પસાર કરીને જૂની બસમાં નિવાસ કરે છે. તારાઓની સુંદરતા, બરફના પહાડો, પાણીના ધોધ, જંગલનું જીવન, શાંત વાતાવરણ. સત્ય શોધવા માટે બીજું શું જોઈએ?

થોડા સમય પછી અલાસ્કામાં ઋતુ બદલાય છે. શિકાર ઓછા મળે છે એટલે આસપાસ ઉગતી વનસ્પતિ પર રહેવું પડે છે. હવે યુવાનને ઘર યાદ આવે છે. મિત્રો- પરિવાર યાદ આવવા લાગે છે અને ઘર તરફ જવા પ્રયત્ન કરે છે, પણ નદીનો પ્રવાહ વધતા માર્ગ બંધ જાય છે.

ફિલ્મમાં સુખદ અંત નથી, ભૂલમાં ઝેરી વનસ્પતિ ખાઇ લે છે અને પળેપળે મૃત્યુ તરફ આગળ ધકેલાય છે. એક સમયે પેલા દાદાને કહે છે કે સંબંધોમાંથી કોઈ સુખ મળતું નથી એ યુવાન અંતિમ પળોમાં માણસને મળવાની ઝંખના ધરાવતો થઈ જાય છે. મરતી વેળા યુવાન એક સત્ય લખે છે કે જીવનનાં સુખનું સત્ય શેરિંગ કરવામાં છે. આપણી આસપાસ પરિવાર તથા મિત્રો છે એટલે શેરિંગનું મહત્ત્વ ખબર નથી. એકલા અટૂલા પરિવારથી દૂર રહેતા હોય એમને પૂછો તો ખબર પડે કે સંવાદનું શું મહત્ત્વ છે.

દીવાળીના પ્રકાશનો આનંદ માણવા શેરિંગ એકમાત્ર અનિવાર્ય શરત છે. તમે ફટાકડા ફોડો અને કોઈ જોવાવાળું જ ન હોય તો?

દીવાળી પર સુખ એટલે તમે શેર નહીં કરી શકો તો મજા શી? તમે બીમાર છો ને ચાર જણા ખબર ન પૂછે તો મજા શી? બર્થ-ડે પર પાંચ-પચાસ કોલ ન આવે તો એ જન્મદિવસની મજા શું? ભગવાન બુદ્ધ અને મહાવીર સત્ય શોધીને લોકોના સમૂહમાં આવ્યા હતાં. અનુભવોને શેર કરવા. સુખ શેર કરવામાં છે- વહેંચવામાં છે.

આ દીવાળીના અવસરે પ્રતિજ્ઞા લઇએ કે મનભરીને વાતો કરશું. તમારા સુખ-દુ:ખ, સમૃદ્ધિ, પ્રવાસો, સુખદ અનુભવો મનભરીને કહો. અંતે, હેપ્પીનેસ એ શેરિંગ જ છે.

યુધિષ્ઠિરના ભાઇઓ ઝેરી પાણી પીને મૃતપ્રાય થઈ ગયા હતા ત્યારે એમને બચાવવા યક્ષ સાથે પ્રશ્ર્નોત્તરી કરી હતી. જે રીતે યુધિષ્ઠિરે સચોટ જવાબ આપ્યા હતા, એ જોતાં તો ક્યારેક માની જ ન શકાય કે આ માણસ જુગાર રમીને પરિવારને જોખમમાં મૂકી શકે. યક્ષે એક સવાલ પૂછ્યો હતો : ‘જગતનું સૌથી મોટું આશ્ર્ચર્ય ક્યું છે?’

યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે, ‘નિકટના સંબંધીને મરતાં જોવાં છતાં પોતે ક્યારેય મરવાનો નથી તેવો મોહ રાખવો એ મનુષ્ય જગતનું સૌથી મોટું આશ્ર્ચર્ય છે !’

આપણે પણ ક્યાં માનવા તૈયાર છીએ કે એક દિવસ પડદો પડવાનો છે. જે મળ્યું એ ભોગવવાની વાત તો દૂર રહી, પણ જે નથી એની પાછળ દોડવું આપણો સ્વભાવ બનાવતા જઈએ છીએ. ભાગતાં ભાગતાં સતત પામવાની ઘેલછા એટલે આધુનિક જિંદગી. ગરીબને પૈસા જોઈએ છે, પૈસાવાળાને લીંપણવાળું ફાર્મ….

ધ એન્ડ :
યુરોપની એક કથા મુજબ સત્ય બહુ કઠિન હોય છે, એક બારીમાંથી સત્ય શોધવા જવાનું હોય છે, જ્યાં સફેદ પ્રકાશ સિવાય કશું હોતું નથી. બે-પાંચ લાખ વર્ષે એકાદ વ્યક્તિ આવતો હોય છે, ત્યાં સુધી જે બારીમાંથી અંદર ગયો એ સફેદ પ્રકાશમાં પડ્યો રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker