વાનખેડેની ટેસ્ટમાં કદાચ બે ભારતીય દિગ્ગજ ખેલાડી નહીં જોવા મળે
પિચ રિપોર્ટ શું કહે છે? બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન કેવી હોઈ શકે?
મુંબઈ: ટેસ્ટ-સિરીઝની પહેલી બન્ને મૅચ હારી ચૂકેલી ભારતીય ટીમ હવે શુક્રવાર, પહેલી નવેમ્બરથી વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમશે જેમાં ભારતીય ટીમે જીતીને શ્રેણીની હારના માર્જિનને ઘટાડીને 1-2નો કરવાનો છે. ખાસ વાત તો એ છે કે 0-3થી વાઇટ-વૉશ ન થાય એની ખાસ તકેદારી રાખવી પડશે. આ સંબંધમાં બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન શું હશે એના પર સૌની નજર રહેશે. એક અહેવાલ મુજબ વિકેટકીપર રિષભ પંત અને જસપ્રીત બુમરાહને આ મૅચમાંથી કદાચ આરામ આપવામાં આવશે.
આ પણ વાંચો: આ સ્ટાર ખેલાડી વાનખેડેની ટેસ્ટમાં નહીં રમે, ટીમ મૅનેજમેન્ટે પ્લાનિંગમાં કરવો પડશે ફેરફાર
કિવીઓનો ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસન વાનખેડેની ત્રીજી ટેસ્ટમાં પણ નથી રમવાનો. જોકે તેની ગેરહાજરીમાં ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી છે એ જોતાં હવે તેઓ ત્રીજી મૅચ તેના વગર જીતી લેવાના મૂડમાં હશે. બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ત્રણ પેસ બોલર સાથે મેદાન પર ઉતરી હતી, પરંતુ પુણેની બીજી ટેસ્ટમાં બે પેસ બોલરને રમાડવામાં આવ્યા હતા. પ્રથમ ટેસ્ટની જીતનો હીરો મૅટ હેન્રી બીજી ટેસ્ટમાં નહોતો.
આવતા મહિને ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા જશે એટલે એ સંઘર્ષભર્યા પ્રવાસ પહેલાં ટીમ-મૅનેજમેન્ટ પંત તથા બુમરાહને આરામ આપશે એવી સંભાવના છે.
પંતના સ્થાને ધ્રુવ જુરેલને ઇલેવનમાં સમાવવામાં આવશે અને બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો અપાશે એવી શક્યતા છે.
આ પણ વાંચો: INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?
વાનખેડેની પિચ વાઇટ-બૉલ ક્રિકેટ માટે (મર્યાદિત ઓવર્સની મૅચો માટે) હંમેશાં બૅટર-ફ્રેન્ડલી રહી છે. અહીં વન-ડે અને ટી-20માં અનેક હાઈ-સ્કોરિંગ મુકાબલા થયા છે. જોકે ટેસ્ટમાં અહીંની પિચ અલગ હોય છે. 2021માં ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર ઍજાઝ પટેલે આ જ મેદાન પર ટેસ્ટના એક દાવમાં તમામ 10 વિકેટ લીધી હતી. અહીં ફરી એકવાર સ્પિનર્સને વધુ મદદ મળે એવી પિચ જોવા મળી શકે. બન્ને ટીમ ત્રણ-ત્રણ સ્પિનર સાથે મેદાન પર ઉતરશે એવી સંભાવના છે.
બન્ને દેશની સંભવિત ટીમ
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત/ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, આકાશ દીપ તથા મોહમ્મદ સિરાજ/હર્ષિત રાણા.
ન્યૂ ઝીલૅન્ડ: ટૉમ લેથમ (કૅપ્ટન), ડેવૉન કૉન્વે, વિલ યંગ, ડેરિલ મિચલ, ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), રાચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉધી, મિચલ સૅન્ટનર, ઍજાઝ પટેલ અને વિલિયમ ઑ’રુર્કે.