IPL માં કઈ ટીમ કોને રીટેન કરશે? અટકળોની માર્કેટમાં ચોંકાવનારી વાતો ચગી છે…
ગુજરાત, કોલકાતા, હૈદરાબાદ, લખનઊ, મુંબઈ, ચેન્નઈ, બેન્ગલૂરુ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ કોને રીટેન કરવાની તૈયારીમાં છે?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની સીઝન માટેના મેગા ઑક્શનનો દિવસ બહુ દૂર નથી. જોકે એ પહેલાં તમામ 10 ફ્રૅન્ચાઇઝીઓ કેટલા ખેલાડીઓને પોતે જાળવી રાખશે એ તેમણે આ ટૂર્નામેન્ટના સત્તાધીશોને ગુરુવાર, 31મી ઑક્ટોબરે સાંજે 5.00 સુધીમાં જણાવી દેવાનું રહેશે.
આ પણ વાંચો : IPL 2025: અમદાવાદનો આ પૂર્વ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો બનશે બેટિંગ મેન્ટોર, જાણો કેવી છે કરિયર…
ઘણા ફ્રૅન્ચાઇઝીઓ કોને-કોને રીટેન કરશે એ વિશેની અટકળો છેલ્લા થોડા દિવસ દરમ્યાન બહાર આવી છે. ગુજરાત ટાઇટન્સ (જીટી), સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ), મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ), કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર), ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે), રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી), લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) તેમ જ રાજસ્થાન રૉયલ્સ (આરઆર), દિલ્હી કૅપિટલ્સ (ડીસી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) કોને રીટેન કરશે એ સંબંધમાં કેટલાક નામ ચર્ચાય છે.
આ પણ વાંચો : IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
કેટલાક અહેવાલો મુજબ ગુજરાતનું ફ્રૅન્ચાઇઝી કૅપ્ટન શુભમન ગિલ તેમ જ સ્પિનર રાશિદ ખાન તથા લેફ્ટ-હૅન્ડ બૅટર સાઇ સુદર્શનને રીટેન કરશે. ભારત વતી હજી ન રમનાર પિંચ-હિટર રાહુલ તેવાટિયા તેમ જ એમ. શાહરુખ ખાનને પણ જીટીના માલિકો રીટેન કરશે એવી સંભાવના છે.
દરેક ટીમ 2024ની સીઝનની સ્ક્વૉડમાંથી કુલ છ ખેલાડીને રીટેન કરી શકશે. એમાંથી વધુમાં વધુ પાંચ પ્લેયર (ભારતના કે વિદેશી) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હોવા જોઈશે. ભારત વતી ન રમ્યા હોય એવા (અનકૅપ્ડ) વધુમાં વધુ બે પ્લેયરને પણ આ રીટેન્શન લિસ્ટમાં સમાવી શકાશે.
કોલકાતાએ 2024માં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ટાઇટલ જીતી લીધું હતું, પરંતુ કેટલાક અહેવાલ જણાવે છે કે બૅટર તરીકે શ્રેયસ થોડા સમયથી ફૉર્મમાં ન હોવાને કારણે તેને કોલકાતાની સ્ક્વૉડમાં રીટેન કરાશે કે કેમ એમાં શંકા છે.
જોકે ઉલ્લેખનીય છે કે 21મી ઑકટોબરે મુંબઈએ મહારાષ્ટ્રને જે રણજી મૅચમાં હરાવ્યું એ મૅચમાં મુંબઈ વતી શ્રેયસે પ્રથમ દાવમાં 142 રન બનાવ્યા હતા. અમુક અહેવાલો તો ત્યાં સુધી જણાવે છે કે કેકેઆરના માલિકો આન્દ્રે રસેલ અને 2024ના સૌથી મોંઘા (24.75 કરોડ રૂપિયાના) મિચલ સ્ટાર્કને પણ રીટેન નહીં કરે. એક રિપોર્ટ મુજબ કેકેઆરનું ફ્રૅન્ચાઇઝી સુનીલ નારાયણ, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, રમણદીપ સિંહ તેમ જ હર્ષિત રાણાને રીટેન કરશે.
હૈદરાબાદનું ફ્રૅન્ચાઇઝી હિન્રિચ ક્લાસેનને તેમ જ પૅટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ તેમ જ નીતિશ કુમાર રેડ્ડીને રીટેન કરશે એવી પાકી સંભાવના છે.
લખનઊના ફ્રૅન્ચાઇઝી વિશે કહેવાય છે કે આ સ્ક્વૉડમાં નિકોલસ પૂરનને તેમ જ મયંક યાદવ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની અને મોહસિન ખાનને રીટેન કરવામાં આવશે.
મુંબઈ ઇન્ડિયન્સ વિશે કહેવાય છે કે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને રીટેન કરવામાં આવશે. જોકે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન પણ ફેવરિટ છે. જોકે એમાંથી કોઈકને રાઇટ-ટૂ-મૅચ (આરટીએમ) કાર્ડના વિકલ્પમાં પાછા મેળવી લેવાશે એવી વાતો પણ સંભળાય છે. મુંબઈ અનકૅપ્ડ પ્લેયર તરીકે (ચાર કરોડ રૂપિયામાં) નેહલ વઢેરાને રીટેન કરશે એવી પણ વાતો છે.
ચેન્નઈની બાબતમાં કહેવાય છે કે ભૂતપૂર્વ કૅપ્ટન એમએસ ધોનીને (તેની નિવૃત્તિને પાંચ વર્ષ થઈ ગયા હોવાથી) અનકૅપ્ડ ખેલાડી તરીકે રીટેન કરાશે જેને પરિણામે તેને માત્ર ચાર કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ-મની ઑફર કરાશે.
ચેન્નઈની સ્ક્વૉડમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા તેમ જ શિવમ દુબેને જાળવી રાખવામાં આવશે એવી ચર્ચા છે.
બેન્ગલૂરુના ફ્રૅન્ચાઇઝી વિશે તો ત્યાં સુધી કહેવાય છે કે વિરાટ કોહલીને ફરી કૅપ્ટન્સી સોંપાશે. તેના ઉપરાંત મોહમ્મદ સિરાજ, વિલ જૅક્સ અને યશ દયાલને રીટેન કરાશે એવું મનાય છે. હાલમાં કોહલીને એક સીઝન રમવાના 15 કરોડ રૂપિયા અપાય છે, પણ હવે તે 18 કરોડ રૂપિયામાં સાઇન થશે એવી ચર્ચા છે.
રાજસ્થાન સંજુ સૅમસન, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગને તેમ જ દિલ્હીનું ફ્રૅન્ચાઇઝી રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને અને પંજાબની ટીમના માલિકો અર્શદીપ સિંહ, શશાંક સિંહ તથા આશુતોષ શર્માને રીટેન કરશે જ એવી વાતો સંભળાઈ રહી છે.
આ પણ વાંચો : ધોનીના ફેન્સ જાણી લો, માહીએ IPL-2025 માં રમવા અંગે આપ્યું આ અપડેટ…