Gujarat માં 140 વર્ષ બાદ અહીં સંભળાશે સાવજની ડણક, એશિયાઈ સિંહોનું બનશે બીજું નવું રહેઠાણ
Gujarat News: એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. રાજ્યના જુનાગઢ, અમરેલીમાં સાવજની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ધનતેરસ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1 નો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક કપુરડી નેશ પાસે તેના પ્રવેશ દ્વાર થી 27 કિલોમીટર ની આ સફારી રહેશે. જોકે બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિરના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે.
આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય માં હરણ, સાબર, ચિત્તલ,નીલગાય જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે.
પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઇ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ, પોરબંદર પક્ષી અભ્યારણ્ય , માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે પણ ધમધમી ઉઠશે.