ઈન્ટરવલ

નવા સંવતમાં નવા સંકેત કેવા છે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ઓહોહો… શેરબજારમાં દિવાળી આવી ગઇ! પાછલા સપ્તાહના અંતભાગ દરમિયાન ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલા બાદ ઇરાને ઇઝરાયલ પર વળતો હુમલો કરીને બદલો લેવાની ધમકી આપી હોવાથી સોમવારે શેરબજારમાં મોટો કડાકો બોલાશે, એવી અટકળો ખોટી પાડીને શેરબજારે ૧૧૩૮ પોઇન્ટની જબરી છલાંગ લગાવીને નિરિક્ષકોને અચરજમાં નાંખી દીધાં! અલબત્ત દિવસને અંતે આ સુધારો ૬૦૦ પોઇન્ટનો જ રહ્યો, પરંતુ સુધારો કેમ આવ્યો એ જાણીને વધુ આશ્ર્ચર્ય થાય છે. 

ઉપરોક્ત આશ્ર્ચર્યના સર્જન પાછળના કારણ તરીકે સ્થાનિક અને વિદેશી બજાર વિશ્ર્લેષકોએ રજૂ કરેલી વાત માનીએ તો ઇરાન માટે સૂળીનો ઘા સોયથી ટળ્યો એમ જાણીને આખલો રાજીનો રેડ થઇ ગયો.

ઇઝરાયલે હુમલામાં ઇરાનના ક્રૂડ ઓઇલ અને ન્યુક્લિઅર સ્થાનકોને બાકાત રાખ્યાં હોવાથી બૂરાડકીય તંગદિલી ટળી ગઇ અને તેને કારણે ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક ક્રૂડ ઓઇલના ભાવમાં તે વખતે પાંચ ટકાથી મોટો કડાકો પડ્યો હોવાથી એશિયાઇ બજારોમાં સુધારાનો પવન ફૂંકાયો અને પરિણામે સ્થાનિક બજારમાં પણ કરંટ જોવા મળ્યો. 

જોકે, સવાલ એ છે કે, બકરે કી અમ્મા કબ તક ખૈર મનાએંગી? આપણે વિવિધ પરિબળોની ચર્ચા શરૂ કરતા પહેલા વિશ્ર્વપ્રસિદ્ધ અને અત્યંત સફળ ગણાતાં બિલ્યોનેર ઇન્વેસ્ટર વોરેન બફેની પ્રવૃત્તિ મારફત મળી રહેલી એક ચેતવણી તપાસી જોઇએ. 

શેરબજારમાં નફો રળી લેવાની ઇચ્છા ધરાવતા રોકાણકારો અન્ય પરિબળો ઉપરાંત વોરેન બફેની ટ્રેડિંગ પ્રેક્ટિસ પર પણ નજર રાખતા હોય છે.  ઓગષ્ટના મધ્યમાં, તેમના દ્વારા એકત્રિત થયેલી રોકડ રકમ ૧૮૯ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી. ગ્રીનલાઇટ કેપિટલ ફંડના સ્થાપક ડેવિડ આઇનહોર્ને નોંધ્યું છે કે, બફેે જ્યારે  શેરબજારથી ધીરે ધીરે વિદાય લેવાનું શરૂ કરે છે ત્યારે સાવચેત થઇ જવું જોઇએ. તેમણે યાદ કરાવ્યું કે, બફેએે ગયા સમયમાં ઘણી વખત શેર બજારની ઊથલપાથલનો અંદાજ લગાવ્યો છે. જેમ કે, ૧૯૬૦ના દાયકાની ઊથલપાથલ પહેલા અને ૧૯૮૭ના મોટા કડાકા પહેલા તેમણે ભારે વેચવાલી કરી હતી. વાસ્તવમાં આ બફેની રક્ષણાત્મક રણનીતિ છે. આઇનહોર્નનું માનવું છે કે, બફેની મંદીથી બચવાની ક્ષમતા જ તેમની લાંબી સફળતાની ચાવી છે. 

હવે શેરબજારની તેજીને અવરોધતા પરિબળોની વાત પર આવીએ તો, એક તરફ ચાઇનીઝ ફેટકરને કારણે વિદેશી ફંડો એકધારી વેચવાલી અને બીજી તરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી ઘમાસાણ યુદ્ધના વાવડ બજારના સેન્ટિમેન્ટને તોડી રહ્યાં છે. આ યુદ્ધમાં અમેરિકા અને રશિયા જેવા સુપર પાવર પરોક્ષ રીતે જોડાઇ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે વિશ્ર્વ યુદ્ધની પરિસ્થિતિ સર્જાવાના પણ ભણકારા સંભળાઇ રહ્યાં છે. 

ટૂંકમાં શેરબજારે સંવત ૨૦૮૧માં અનેક પડકારો પાર કરવા પડશે, વિશ્ર્વયુદ્ધના ભણકારા વચ્ચે સેન્ટિમેન્ટમાં સાવચેતી રહેશે. દિવાળી મુહૂર્તના ટ્રેડિંગ સાથે નવી વિક્રમ સંવત ૨૦૮૧ની પહેલી નવેમ્બરથી શરૂઆત થશે. આપણે સ્થાનિક શેરબજાર માટે સહાયક પરિબળોની વાત કરીએ તો ફુગાવાના વલણ અને વ્યાપક વૃદ્ધિ ગતિશીલતાને આધારે આરબીઆઈ દ્વારા એકાદ બે વખત રેટ કટની અપેક્ષા રાખી શકાય. કૃષિ પ્રવૃત્તિઓમાં સુધારા અને ગ્રામીણ વપરાશ માટેના સકારાત્મક દૃષ્ટિકોણને કારણે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૭.૨ ટકા જાળવી રાખ્યો છે. 

વધુમાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની મોસમ દરમિયાન વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં ચાર ટકા વધારે હતો અને સમગ્ર દેશમાં જળાશયમાં પાણીનું સ્તર ગયા વર્ષ કરતાં વધુ છે. આ સાનુકૂળ પરિસ્થિતિથી ગ્રામીણ અર્થતંત્રને ફાયદો થવાની અપેક્ષા છે. આ વર્ષે મજબૂત રવી પાકની શક્યતાઓ વધશે.

શેરબજારને હાલ અને તાત્કાલિક ધોરણે અસર કરનારા પરિબળો જોઇએ તો તેમાંં અમેરિકામાં ચૂંટણી, ચીનમાં આર્થિક સુધારા, તહેવાર દરમિયાન વ્યવસાયિક પ્રવૃત્તિ, યુએસ બોન્ડ યીલ્ડની કામગીરી, ક્રૂડ ઓઈલના ભાવની વધઘટ અને  એફઆઇઆઇના વલણનો સમાવેશ કરી શકાય. 

આ પરિબળો ભારતીય ઇક્વિટી બજારોમાં અસ્થિરતા પેદા કરે તેવી સંભાવના છે, જે આ ઘટનાઓના આધારે બંને દિશામાં પ્રતિક્રિયા આપી શકે છે. નજીકના ગાળામાં નવી ઘટનાક્રમોને ધ્યાનમાં લેતા, અમુક મૂડી ફાળવણી ચીન તરફ વળી શકે છે. જો કે, વિશ્ર્લેષકોને ભારતીય ઇક્વિટી માર્કેટની લાંબા ગાળાની વૃદ્ધિમાં વિશ્ર્વાસ છે. અલબત્ત, વર્તમાન ઊંચા વેલ્યુએશન પર વધુ વૃદ્ધિ માટે મર્યાદિત અવકાશ છે. કોર્પોરેટ ક્ષેત્રની કંગાળ કામગીરી બજારના માનસને વધુ ખરડી રહી છે. 

શેરબજારને અસરકર્તા મહત્ત્વના પરિબળના વિશ્ર્લેષણ માટે આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યમાં જોઇએ તો યુએસ ફેડ રિઝર્વે તેની ૨૪ સપ્ટેમ્બરની મીટિંગ દરમિયાન વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે અને ૨૦૨૪માં જ વધુ બે રેટ કટના સંકેત આપ્યા છે. આ ઉપરાંત ૨૦૨૫માં ચાર વખત રેટ કટની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આરબીઆઈ એ પણ તેની તાજેતરની મીટિંગમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા છે, જે દર્શાવે છે કે આગામી છથી નવ મહિનામાં રેટ કટની અપેક્ષા રાખવામાં આવી શકે છે.

બજારની સ્થિરતા માટે વિદેશી ફંડોની વેચવાલીને બ્રેક લાગવી આવશ્યક છે. પાછલા સપ્તાહે એફઆઇઆઇની સતત વેચવાલી સાથે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા વચ્ચે સેન્સેક્સ ૮૦,૦૦૦ની નીચે ઘુસી ગયો છે. સપ્તાહના અંતિમ સત્રમાં એક તબક્કે બીએસઈના માર્કેટ કેપિટલમાં અંદાજે રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું અને નિફ્ટી પણ ૨૪,૧૦૦ની નીચે સરકી ગયો હતો. 

બજારના સાધનો અનુસાર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ની લેવાલીને કારણે બજારમાં મોટો કડાકો ટળી રહ્યો છે, પરંતુ વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી છે. એનએસડીએલના ડેટા અનુસાર એફઆઇઆઇએ ઓક્ટોબર અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડથી વધુ શેરો ભારતીય બજારમાં ઠાલવ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૫ અબજ ડોલર એટલે કે લગભગ રૂ. ૨.૨૩ લાખ કરોડના શેર એફઆઇઆઇએ વેચી નાંખ્યા છે.

બજારના અપટ્રેન્ડનો કોર્પોરેટ કમાણીની વૃદ્ધિના ડાઉનટ્રેન્ડ સાથે મેળ ના બેસતો હોવાથી બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે, જે નજીકના ગાળાના બજાર માળખાને, સેલ ઓન રેલીમાં ફેરવે છે. ટેક્નિકલ નિષ્ણાતે ચાર્ટને આધારે એવી આગાહી કરી છે, કે  નિફ્ટી બેન્ચમાર્ક ટૂંકાથી મધ્યમ ગાળામાં વર્તમાન સ્તરોથી વધુ ૧,૦૦૦ પોઈન્ટ નીચી સપાટીએ ગબડીને ૨૩,૩૦૦ પોઇન્ટના સ્તરે જઈ શકે છે, કારણ કે બેન્ચમાર્કમાં તાજેતરના ઊંચા સ્તરથી બોલાયેલા ધબડકાને કારણે હાલ તુરત સેન્ટિમેન્ટ મંદીવાળાની તરફેણમાં ફેરવાઈ ગયું છે.

બજારના સાધનો અનુસાર શેરબજારને ગબડવા માટે અનેક કારણ એકત્રિત અને મોજૂદ છે. આ કારણોમાં કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની નબળી કમાણી અને એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત યુએસ બોન્ડની ઊંચી ઊપજ અને મજબૂત ડોલર, યુએસ ચૂંટણી પહેલાની સાવચેતીનું માનસ અને આક્રમક રેટ કટની સંભાવનાઓ ધૂંધળી થઈ જવાની સંભાવનાનો સમાવેશ છે. હવે તેમાં ઇરાન અને ઇઝરાયલના યુદ્ધમાં વધુ તીવ્રતાની સંભાવના ઉમેરી શકાય.        

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button