આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં ભૂકંપ…ભારતના બે સ્ટાર બૅટર ટૉપ-ટેનની બહાર…
દુબઈ: ભારતીય ક્રિકેટરોએ ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં ખરાબ પર્ફોર્મ કર્યું એનાથી કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓને તો આઘાત લાગ્યો જ છે, આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં પણ તેમના પર્ફોર્મન્સનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. ટીમ ઇન્ડિયામાં માત્ર સ્પિનર્સે અને આંગળીને વેઢે ગણાય એટલા બૅટર્સે વખાણવા જેવું પર્ફોર્મ કર્યું છે. બાકી, મોટા ભાગના ખેલાડીઓએ (ખાસ કરીને બૅટર્સે) નિરાશ કર્યા છે. મોટા નામવાળા ભારતીય ખેલાડીઓ રૅન્કિંગમાં નીચે જતા રહ્યા છે.
આ પણ વાંચો : ગંભીરને ઝટકો?: આફ્રિકાના પ્રવાસમાં ચીફ કોચ તરીકે લક્ષ્મણ જઈ શકે…
હાલત એવી છે કે ટીમ ઇન્ડિયાનો એક જ બૅટર ટૉપ-ટેનમાં બચ્યો છે. બાકીના બધાએ બહાર જવું પડ્યું છે અને એ પણ મોટા તફાવત સાથે. ટૉપ-ટેનની બહાર થનારા ભારતીયોમાં રિષભ પંત અને વિરાટ કોહલીનો સમાવેશ છે.
આઇસીસીએ જે નવા રૅન્કિંગ બહાર પાડ્યા છે એ મુજબ ઇંગ્લૅન્ડનો જૉ રૂટ હજી પણ ટેસ્ટના બૅટર્સમાં પ્રથમ સ્થાને છે. તેના રૅટિંગ પૉઇન્ટ 903 થઈ ગયા છે. ન્યૂ ઝીલૅન્ડનો કેન વિલિયમસન ઈજાને કારણે ભારત સામેની ટેસ્ટ-શ્રેણીમાં નથી રમ્યો, પરંતુ તે હજીયે 813 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.
ભારત માટે થોડી ખુશીની વાત એ છે કે ઓપનર યશસ્વી જયસ્વાલ એક ક્રમની છલાંગ લગાવીને ચોથા પરથી ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના નામે 790 પૉઇન્ટ છે.
ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂકે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી (317 રન) ફટકારી હતી, પરંતુ ત્યાર પછીની બે ટેસ્ટમાં સારું નહોતો રમ્યો અને ચાર ઇનિંગ્સમાં 16, 9, 26 તથા 5 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ આ સિરીઝ 1-2થી હારી ગયું હતું. બ્રૂકને એક સ્થાનનું નુકસાન થયું છે. તેના 778 પૉઇન્ટ છે અને ચોથા નંબરે પહોંચી ગયો છે. ટૂંકમાં, બ્રૂકનું ત્રીજું સ્થાન યશસ્વીએ લીધું છે.
જોકે ઉસમાન ખ્વાજાને રમ્યા વિના એક સ્થાનનો ફાયદો થયો છે. તે સાતમા પરથી છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના ઊભરતા બૅટર સાઉદ શકીલે એકસાથે 20 ક્રમની છલાંગ મારી દીધી છે અને તેનું રેટિંગ સીધું 724 થઈ ગયું છે.
ન્યૂ ઝીલૅન્ડના સ્પિન-ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્રને પણ આઠ સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 711 રેટિંગ સાથે નંબર-10 ઉપર પહોંચી ગયો છે.
આ પણ વાંચો : Fail Or Pass: King Kohli માટે 2024નું વર્ષ રહ્યું સૌથી ખરાબ, હજુ રેકોર્ડ સુધારવાની તક
રિષભ પંત પાંચ સ્થાન નીચે જતો રહ્યો છે. તે હવે ટૉપ-ટેનની બહાર થઈ ગયો છે અને 11મા ક્રમે પહોંચી ગયો છે. તેના માટે આ બહુ મોટો ઝટકો છે. વિરાટ કોહલીને પણ એક જ ઝટકામાં છ નંબરનું નુકસાન થયું છે. તે હવે 688ના રેટિંગ સાથે 14મા નંબર પર પહોંચી ગયો છે. તેણે પણ ટૉપ-ટેનની બહાર જવું પડ્યું છે.