SBI બેંકમાં ત્રાટક્યા તસ્કરો, લૉકર કાપીને 12.95 કરોડના સોનાના ઘરેણા ચોરી થઈ ગયા ફરાર
Bank Theft: કર્ણાટકમાં તસ્કરોએ બેંકને નિશાન બનાવી હતી. જાણકારી મુજબ દાવણગેરે જિલ્લામાં તસ્કરો એસબીઆઈ બેંકમાં લૉકરમાંથી આશરે 13 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં ચોર ઉઠાવી ગયા હતા. ઘટના ગત શનિવાર અને રવિવારે બની હતી. બેંકમાં 3 લોકર હતા. ચોર તેમની સાથે સીસીટીવી અને હાર્ડ ડિસ્ક પણ લેતાં ગયા હતા. ચોર બારીમાંથી કૂદીને બેંકમાં ઘૂસ્યા હતા.
જાણકારી અનુસાર તપાસ ટીમે જણાવ્યું કે, બેંકનું અલાર્મ પહેલાંથી જ ખરાબ હતું. આ કારણે તે વાગ્યું નહોતું. ચોર પ્રોફેશનલ ગુનેગાર હતા. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરી લોકર તોડીને તેમાંથી 12.95 કરોડની કિંમતના સોનાના ઘરેણા ચોર્યા હતા. ચોરોએ સ્નિફર ડોગને ભ્રમિત કરવા માટે મરચાંનો પાવડર બેંકમાં ફેંક્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, ચોરોએ અન્ય બે લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. બંને લોકરમાં મળી 30 લાખ કેશ અને સોનાના આભૂષણ હતા.
પોલીસે જણાવ્યું કે, સોનાના આભૂષણો ઉપરાંત ચોરોએ બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ લઈ ગયા હતા. ગત શનિવાર-રવિવારે બેંકમાં બે દિવસની રજા હતી, ત્યારે ચોરોએ વીકેન્ડમાં ઘટનાને અંજામ આપ્યો હતો. બેંકમાં ચોરી કરતાં પહેલાં તસ્કરોએ સીસીટીવી અને સાયરનને ડિસ્કનેક્ટ કરી દીધા હતા. ઉપરાંત અન્ય બે લૉકરોને કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આશરે 30 લાખ રૂપિયા કેશ અને સોનાના આભૂષણ હતા.
Also Read – હરિદ્વારમાં રેલવે ટ્રેક પર ડિટોનેટર મળ્યા, GRP આરોપીની ધરપકડ કરી
ઘટનાની જાણ થતાં ડીઆઈજી બી રમેશ અને એસપી ઉમા પ્રશાંત પણ સ્થળ પર આવ્યા હતા અને માહિતી મેળવી હતી. એસપી પ્રશાંતે જણાવ્યું, રાત્રે બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ નહોતા. જૂની સાયરન સિસ્ટમ જ લગાવવામાં આવી હતી. બેંકની સુરક્ષામાં ચૂકના કારણે આમ થયું છે. મામલાની તપાસ માટે પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં પાંચ ટીમ બનાવવામાં આવી છે. 10 સબ ઈન્સ્પેક્ટર તથા અન્ય પોલીસકર્મીએ સાથે મળીને તપાસ શરૂ કરી દીધી છે.